



સીસોટી ગળામાં ફસાઈ ગયા બાદ ગળામાંથી સીસોટી વાગતી હોવાના કિસ્સા ફિલ્મો અને સીરીયલમાં તો ઘણીવાર જોયા હશે પણ બીલીમોરામાં ૮ વર્ષના માસુમ બાળક સાથે આ ઘટના હકિકતમાં પરિણમી છે.
પ્રાપ્ત માહિતી મુજબ બીલીમોરા નાં ૮ વર્ષના બાળક મનમીંતસિંગ સુનીસિંગ ગજેરીયાનાં ગળામાં બુધવારે સાંજે રમતા રમતા સીસોટી ફસાઇ ગઈ હતી, બાળક ગભરાઈ જતાં બે કલાક સુધી ચુપચાપ કોઈને પણ જણાવ્યા વગર ઘરમાં ફરતો રહ્યો હતો.પરંતુ જ્યારે રાત્રે ઘરનાં સભ્યો જમવા બેઠા ત્યારે જમતી વખતે અચાનક સીટી વાગવાનો અવાજ આવ્યો જેથી બધા આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા અને આજુબાજુ નજર કરતા કોઈ જણાયું ન હતું. આ બાજુ બાળક જમતી વખતે શ્વાસ લે એટલે સીટી વાગતી હતી જેથી માબાપ ને ખ્યાલ આવ્યો કે બાળકના ગળામાંથી સીટી વાગે છે. પૂછતાં બાળકે બધી હકીકત જણાવી હતી . તેથી તાત્કાલિક બાળકને કાન, નાક ગળા ના ડોક્ટર પાસે લઈ જતાં ડોક્ટરે તપાસ્યા બાદ શ્વાસનળીમાં સીસોટી ફસાઇ ગયાનું નિદાન કર્યું હતું અને દૂરબીનથી કાઢવાની જરૃર હોવાથી ડાક્ટર હાઉસ ખાતે મોકલ્યા હતાં, ત્યાં ઈ એન ટી અને કેન્સર નિષ્ણાંત ડોકટરની ટીમે મધરાતે ૧૨.૩૦ કલાકે દુરબીનથી તાત્કાલિક ઓપરેશન કરી શ્વાસનળીના જમણી બાજુના ફાંટામાં ફસાયેલી સીસોટી બહાર કાઢી હતી. સિસોટી નીકળતાં ઓપરેશન થિયેટર માં રાહત અને આનંદ ની લાગણી ફેલાઈ ગઈ હતી. કારણકે કેટલીક વાર નાનકડાં દૂરબીનમાંથી પ્લાસ્ટિકની સીસોટી લસરીને આગળ ખસી જાય છે, અને વધુ મુશ્કેલી સર્જી શકે એમ હતું.