



ઝઘડિયાના ગુમાનદેવ મંદિરના મહંત પર ટોળાએ હૂમલો કરવાની ઘટનાને સંત સમાજે વખોડી કાઢતાં ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે. અંક્લેશ્વરની હોસ્પિટલમાં સારવાર લઇ રહેલાં મહંત મનમોહનદાસજીની મુલાકાતે આવેલાં રામકુંડના મહંત ગંગાદાસ બાપુએ આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ભાજપ સરકારમાં હવે સંતો પણ સુરક્ષિત રહ્યાં નથી. જ્યારે બીજી તરફ સાંસદ મનસુખ વસાવાએ તંત્રની બેદરકારીના કારણે ઘટના બની હોવાનો આક્ષેપ કર્યો હતો.
ગુમાનદેવના મહંત મનમોહનદાસજી પર ગઇકાલે થયેલાં હૂમલા બાદ તેમને સારવાર માટે અંક્લેશ્વરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. ત્યારે તેમના ખબરઅંતર પુછવા ગુજરાત રાજ્ય સંત સમાજના સભ્ય અને રામકુંડ મંદિરના મહંત ગંગાદાસ બાપુ, સાંસદ મનસુખ વસાવા, કોંગ્રેસના આગેવાનો સહિત અન્ય સાધુ સંતો હોસ્પિટલ ખાતે ધસી આવ્યાં હતાં. ઘટનાને પગલે સંત સમાજે ભારે રોષ સાથે ભાજપ રાજમાં હવે સંતો સુરક્ષિત નથી તેવી ભાવના વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, મંદિર પાસે બનેલી અકસ્માતની ઘટનામાં 3 મહિલાઓના મોત થયાંની ઘટના બાદ ટોળાએ મંદિરના કેમેરા કેમ બંધ છે તેમજ લાઇટો કેમ ચાલું નથી રાખતાં તેમ કહીં મંદિર પરિસરમાં 100થી વધુ લોકોનું ટોળું ઘુસી આવ્યાં બાદ મહંત પર હિંસક હૂમલો કર્યો હતો. જે શરમજનક ઘટના છે. સાંસદ મનસુખ વસાવાએ પણ તંત્રની બેદરકારીના કારણે જ અકસ્માત થયો હોવાનું જણાવી તંત્રના માથે માછલાં ધોયાં હતાં. ગુમાનદેવ મંદિર ના મહંત મનમોહન દાસજીની મુલાકાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી, ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા નાઝુભાઈ ફડવાલા, અંકલેશ્વર નગર પાલિકાના વિપક્ષી નેતા ભુપેન્દ્ર જાની સહિત આગેવાનોએ મહંત મનમોહન દાસજી ની મુલાકાત લઇ તેમની તંદુરસ્તી માટે શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવી હતી તેમજ આ બાબતે સખત આક્રોશ વ્યક્ત કરીને ઘટનાને વખોડી હતી.
દોષિતો સામે કડક પગાં ભરવામાં આવે
ગુજરાત રાજ્ય સંત સમાજના સભ્ય એવા રામકુંડ મંદિરના મહંત ગંગાદાસ બાપુ સહીત સંતો અને મહંતો પણ સરગમ હોસ્પિટલ ખાતે દોડી આવ્યાં હતાં. મહંત મનમોહનદાસની મુલાકત લીધાં બાદ તેમણે રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, ગુમાનદેવ તીર્થના મહંત મનમોહનદાસજી પર થયેલો હૂમલો પૂર્વ આયોજિત અને કાવતરાનો ભાગ હતો. ભાજપ સરકારમાં હવે સંતો પણ સુરક્ષિત રહ્યા નથી તેવો બળાપો કાઢી તેમણે ઘટનાને વખોડી કાઢી હતી અને દોષિતો સામે કડક પગલાં ભરવા માટેની માગ કરી હતી.