



દિવ્યાંગ મિસ્ત્રી – ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના રાજવાડી ગામે મધમાખીઓ કરડતાં પાંચ લોકોને ઇજા થતાં તેમેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં છે.
નેત્રંગ તાલુકાના રાજવાડી ગામમાં રહેતાં રસીલાબેન વસાવા ખેતરમાં ઘાસચારો કાપવા માટે ગયાં હતાં. તે દરમિયાન એક વૃક્ષ પર રહેલાં મધપુડાને સમડીએ છંછેડયો હતો. મધપુડા પર રહેલી મધમાખીઓ અચાનક ઉડવા લાગી હતી અને રસીલાબેન સહિત અન્ય પાંચ લોકોને ડંખ મારી લીધાં હતાં.
મધમાખીઓ રસીલાબેનના શરીર પર ચોંટી જતાં તેમને ચકકર આવવા લાગ્યાં હતાં અને તબિયત લથડી ગઇ હતી. બનાવની જાણ થતાં 108ની ટીમ સ્થળ પર પહોંચી હતી અને તાત્કાલિક સારવાર આપી રસીલાબેનનો જીવ બચાવી લીધો હતો. મધમાખીઓએ અન્ય લોકોને પણ ડંખ માર્યા હતાં પણ તેમની તબિયત સુધારા પર છે. તમામને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લવાયાં હતાં