



અલ્લાહાબાદ હાઇકોર્ટે એક કેસના ચુકાદામાં કહ્યું હતું કે લગ્ન માટે ધર્મ પરિવર્તન કરવું જરૂરી નથી. કોર્ટના આ અવલોકનને ટાંકીને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું હતું કે લવ જેહાદ કરનારાઓ ચેતી જજો નહીં તો રામ નામ સત્યની યાત્રા પર નીકળી જશો.
દેવરીયામાં એક ચૂંટણી સભાને સંબોધતી વેળાએ તેમણે આ નિવેદન આપ્યું હતું. યોગીએ કહ્યું કે માત્ર લગ્ન માટે ધર્મ પરિવર્તન કરવું માન્ય નથી તેમ ખુદ અલ્લાહાબાદ હાઇકોર્ટે કહ્યું છે. સરકાર લવ જેહાદ પર ટૂંક સમયમાં અંકુશ લગાવવા જઇ રહી છે.
અમે કાયદા બનાવીશું, હું તેવા લોકોને ચેતવણી આપુ છુ કે જેઓ પોતાની ઓળખ છુપાવી રહ્યા છે અને અમારી બહેન બેટીઓના સન્માન સાથે ખિલવાડ કરે છે. જો તમે સુધરશો નહીં તો તમારી રામ નામ સત્ય યાત્રા નીકળશે.
અલ્લાહાબાદ હાઇકોર્ટે ધર્મ પરિવર્તન અને લગ્નને લઇને એક મહત્વનો ચુકાદો આપ્યો હતો અને કહ્યું હતું કે માત્ર લગ્ન માટે ધર્મ પરિવર્તન કાયદેસર ન ગણાય. કોર્ટે અલગ ધર્મના યુગલની અરજીને રદ કરી દીધી હતી.
યુવતીનો ધર્મ ઇસ્લામ હતો પણ તેને હિંદુ ધર્મ અપનાવીને હિંદુ યુવક સાથે લગ્ન કરી લીધા. ધર્મ પરિવર્તન કર્યું તેના બે દિવસ બાદ જ લગ્ન કરી લીધા હતા, તેથી કોર્ટે કહ્યું હતું કે ધર્મ પરિવર્તન અને લગ્ન બન્નેની તારીખો જોતા સ્પષ્ટ થાય છે કે માત્ર લગ્ન માટે જ ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું છે તેથી તેને લગ્ન માટે માન્ય ન ગણી શકાય.
યોગીનું આ નિવેદન એવા સમયે સામે આવી રહ્યું છે જ્યારે ઉત્તર પ્રદેશમાં બળાત્કારની અનેક ઘટનાઓ સામે આવી રહી છે, તેથી મહિલા સુરક્ષાને લઇને ભીસમાં આવેલા યોગી આદિત્યનાથ પર અનેક સવાલો વિપક્ષ ઉઠાવી રહ્યું છે.