



વર્ષોથી કામકાજ કરતા દલાલની ક્રેડિટ સારી હતી અને જાંગડથી માલ લેતો હતો: વેપારીઓ-કારખાનેદારો ફસાયા
સુરત અને મુંબઈ હીરા બજાર સાથે સંકળાયેલો એક દલાલ બે દિવસ પહેલાં રૂ.30 કરોડની કિંમતનો પોલીશ્ડ માલ લઈને ફરાર થતાં કારખાનેદારો અને વેપારીઓ ભેરવાયા છે. હીરા દલાલે વીસ-પચ્ચીસ જણાં પાસેથી વેચવા માટે માલ મેળવ્યો હોવાની બજારમાં ચર્ચા છે.
હીરા દલાલની આ કરતૂતને કારણે હીરા બજારમાં હવે અવિશ્વાસનું વાતાવરણ ઉભું થશે, જેનાથી વેપારને સીધો ફટકો પડશે. મળતી માહિતી અનુસાર દલાલી કામકાજ કરતાં એક યુવાને કારખાનેદારો અને વેપારીઓ પાસેથી લાઇટ બ્રાઉન પોલીશ્ડ વેચવા માટે મેળવ્યો હતો. ઘણાં બધાં પાસેથી માલ મેળવ્યા પછી તે અદ્રશ્ય થઇ ગયો છે. લેણદારો તેને શોધી રહ્યા છે, પરંતુ તેનો પત્તો નથી.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર હીરા દલાલ મુંબઇ અને સુરતથી ખરીદી કરતો હતો અને જાગડથી માલ લેતો હતો. વર્ષોથી કામકાજ કરતો હોવાને કારણે તેની બજારમાં સારી શાખ હતી અને એક વિશ્વાસ પર સૌ તેને માલ વેચવા માટે આપ્યો હોવાનું જાણવા મળે છે. વેચવા માટે માલ લીધા પછી દલાલ હિસાબ પણ લખાવી દેતો હોવાનું કહેવાય છે.
દલાલોને જાંગડથી માલ આપવાનો સમય આવી ગયો છે, ખરાઇ ખૂબ જરૂરી છે
દિવાળી પહેલાં ઉઠમણા કે છેતરપિંડી બનવાની શક્યતાઓ વધી જાય છે, ત્યારે સાવચેતી ખાતર પોલિશ્ડ આપતી વખતે ખરાઇ કરવી ખૂબ જ જરૂરી છે. દલાલ પણ હવે જે રીતે છેતરપિંડી કરી રહ્યાં છે, તેને કારણે હવે તેમની પર પણ વિશ્વાસ રાખવાનું વેપારીઓ કે કારખાનેદારો પસંદ નહીં કરે. આવા કિસ્સાઓને કારણે બજારમાં અવિશ્વાસનું વાતાવરણ ઊભું થાય છે એમ કીત શાહે વાતચીતમાં જણાવ્યું હતું.