



અંકલેશ્વરના રાજકમલ આર્કેટમાં ચડ્ડી બનિયાધારી ટોળકીએ એકસાથે 8 દુકાનને નિશાન બનાવી હતી. તસ્કરો પૈકી 3 ચડ્ડી- બનિયાનધારી સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા હતા. તસ્કરો 8 દુકાનમાંથી મળી 71 હજાર ઉપરાંતની મત્તાની ચોરી કરી ગયા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે ટેક્નિકલ સર્વેલસ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ આરંભી હતી.અંકલેશ્વર પોલીસ કેવડિયામાં બંદોબસ્તમાં વ્યસ્ત થઇ છે, ત્યારે તકનો લાભ લઇ તસ્કરોને મોકળું મેદાન મળી ગયું હોય એમ એકસાથે 8 જેટલી દુકાનોને નિશાન બનાવી હતી.
અંકલેશ્વરની મામલતદાર કચેરી સામે રાજકમલ કોમ્પલેક્ષના પ્રથમ માળે સાત અને બીજા માળે 1 મળી કુલ 8 દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી હતી. તમામ દુકાનોના શટર ઊંચા કરી ચોરો અંદર પ્રવેશ કર્યો હતો અને 71 હજારથી વધુના રોકડા રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા હતાં. ચોરીની સમગ્ર ઘટના કોમ્પ્લેક્ષના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઇ હતી. જેમાં એક તસ્કર અંદર આવે છે. જે બાદ કેમેરા બંધ કરી અન્ય તસ્કરો સાથે દુકાનનોમાં પ્રવેશ કરી ચોરી કરી ફરાર થઇ ગયા હતા. સવારે દુકાનદારો સવારે આવતા જ ચોરી થઇ હોવાનું માલૂમ પડ્યું હતું. પોલીસમા જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સીસીટીવી ફૂટેજ મેળવી પગેરું મેળવાની તપાસની તજવીજ આરંભી હતી.