



– ચીનમાં મસ્જિદો પર હવે અરબીના બદલે ચાઈનીઝ ભાષામાં લખાણ
બ્રિટિશ અધિકારીએ ફોટા ટ્વીટર પર મૂકતાં વિવાદ
ચીનની આ દાદાગીરી સામે તુર્કી અને પાકિસ્તાન સહિતના ઇસ્લામિક દેશોનું ભેદી મૌન
બેઈજિંગ,
ચીનમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ઉઈગુર મુસ્લિમ સમાજ પર થતાં અત્યાચારો વધી રહ્યા છે. આ શ્રેણીમાં હવે ચીનમાં મુસ્લિમોના ધાર્મિક સૃથળોનો પણ નાશ કરાઈ રહ્યો છે. ચીનમાં છેલ્લા કેટલાક સમયમાં મસ્જિદોની ઓળખ એવા આરબ પદ્ધતિના ડુંગળી આકારના ગુંબજો અને સોનેરી મિનારાઓને ચીની તંત્ર તોડી રહ્યું છે અને આ મસ્જિદોને સામાન્ય ઈમારતોનો ઓપ અપાઈ રહ્યો છે.
ચીનમાં મુસ્લીમોના દમનનના અભિયાનનું તાજું ઉદાહરણ સૃથાનિક ઓથોરિટી દ્વારા મસ્જિદો પરથી આરબ સ્ટાઈલના ડૂંગળી આકારના ગુંબજો અને સોનેરી મીનારા દૂર કરવાનું છે.
ચીનના હુઈ મૂળના મુસ્લિમ લઘુમતીઓ મોટી સંખ્યામાં વસવાટ કરે છે તેવા નાન્ગશિયા પ્રાંતની રાજધાની યિનચુઆનની મુખ્ય મસ્જિદ પરથી ગુંબજો અને સોનેરી મિનારાઓ તોડી નાંખવામાં આવ્યા છે. મસ્જિદો પરથી આરબ લિપિનું લખાણ પણ દૂર કરવામાં આવ્યું છે. હવે ત્યાં મસ્જિદને ઓળખી જ ન શાકય તેવો ઓપ અપાયો છે.
આ મસ્જિદ પર હવે ચાઈનીઝ ભાષામાં ‘નાન્ગુઆન મસ્જિદ’ લખેલું છે અને રાખોડી રંગ તથા, લંબ ચોરસ પ્રવેશ દ્વાર બનાવવામાં આવ્યું છે. બ્રિટનના ચીન ખાતેના મિશનના ડેપ્યુટી હેડ ક્રિસ્ટિના સ્કોટે તેમના ચીનના તાજેતરના પ્રવાસમાં નાન્ગુઆન મસ્જિદનો ફોટા ‘પહેલાં અને પછી’ એવા મથાળા હેઠળ ટ્વીટર પર શૅર કર્યા હતા.
તેમણે લખ્યું છે કે નાન્ગુઆન મસ્જિદના રિનોવેશન પછી હવે તે આવી દેખાય છે. ગુંબજ, મિનારાઓ બધું જ અદૃશ્ય થઈ ગયું છે. કોઈ મુલાકાતીઓને પણ ત્યાં જવા દેવાતા નથી. આ ખૂબ જ હતાશાજનક છે. યુકેના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, ચીનમાં મુસ્લિમ અને અન્ય ધર્મો પર પ્રતિબંધો અંગે અમે ખૂબ જ ચિંતિત છીએ.
અમે ચીનને તેના બંધારણને અનુકૂળ લોકોની ધાર્મિક સ્વતંત્રતાનો આદર કરવાની તેની આંતરરાષ્ટ્રીય જવાબદારીઓ પૂરી કરવા હાકલ કરીએ છીએ. ચીનમાં ઈસ્લામિક સંસ્કૃતિના કેન્દ્ર અને ચીનમાં ‘લીટલ મક્કા’ તરીકે ઓળખાતા લિનશિયા શહેરમાં પણ મસ્જિદોની ઓળખ એવા ગુંબજો અને મિનારાઓ અને અરબી લિપિના લખાણો પણ હટાવાઈ રહ્યા છે અને તેને આધુનિક ઓપ અપાઈ રહ્યો છે.