



દહેજની માંગણી કરી ઘરમાંથી કાઢી મુકતા આખરે ફરિયાદ નોંધાવી
ઝઘડિયા તાલુકામાં આવેલાં વણાંકપોર ગામની એક પરીણિતાને લગ્નના એક મહિના બાદ જ સાસરિયાઓ દ્વારા દહેજ માટે ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતું. પતિ તેમજ તેના સાસરિયાઓ દ્વારા નાની નાની વાતે ઝઘડો કરી તેને મારઝૂડ કરવા સાથે ઘરેથી દહેજ લઇ આવવા જણાવી ત્રણવાર ઘરમાંથી કાઢી મુકી હતી. સાસરિયાઓના ત્રાસથી કંટાળી પરીણિતાએ આખરે રાજપારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ઝઘડિયા તાલુકામાં આવેલાં વણાંકપોર ગામે રહેતાં મહેબુબખાન અહેમદખા સોલંકીની પુત્રી આરઝૂના લગ્ન વર્ષ 2018માં ગામમાં જ રહેતાં સકતલેન મુસ્તાક હમીદ સોલંકી સાથે થયાં હતાં.
લગ્નના એકાદ મહિના બાદથી જ તેના સાસુ સસરા તેમજ પતિ દ્વારા તેને ત્રાસ ગુજારવાનું શરૂ કરી દીધું હતું. નાની નાની વાતોમાં તેને મહેણાંટોણાં મારવા સાથે તેને મારઝૂડ કરતાં હતાં. તેની સાસુ તેને ઘરની બહાર નહીં જવાનું, ટીવી નહીં જોવાનું, આજુબાજુમાં કોઇની સાથે વાતચીત નહીં કરવાનું કહેતાં હતાં. ઉપરાંત તેની પાસેથી પિયરેથી બે તોલાનો અછોડો, વિંટી, વોશિંગ મશીન, ટીવી, ડાઇનિંગ ટેબલ, હિંચકો સહિતની વસ્તુઓ દહેજમાં નહીં લાવતાં તેને ત્રાસ ગુજારતાં હતાં. સાસરિયાઓએ તેને ત્રણેકવાર ઘરમાંથી કાઢી પણ મુકી હતી. જેના પગલે આખરે ત્રાસીને તેણે રાજપારડી પોલીસ મથકે તેના પતિ સકલેનમુસ્તાક સહિત 8 સાસરિયાઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.