



અનલોકની ગાઈડલાઈનમાં હવે જાહેર સ્થળો પણ ખુલી રહ્યા છે, લોકોએ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું પડશે
ભરૂચ શહેરમાં છેલ્લા 8 મહિનાથી કોરોના મહામારીના કારણે શહેરીજનો માટે બંધ કરાયેલા બાગ- બગીચાઓ સરકારની ગાઈડ લાઈન મુજબ શરૂ કરવામાં આવનાર છે. જેના કારણે બાળકો સહીત મોટેરાઓમાં પણ આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. જેના માટે નગરપાલિકા દરેક બાગ-બગીચાઓમાં સાફ-સફાઈ સાથે સૅનેટાઇઝરનો છંટકાવ કરાવી દેવાયો છે. કોરોના મહામારીના પગલે દેશભરમાં લોકડાઉન જાહેર કરાયા બાદ તમામ ફરવા હરવાના જાહેર સ્થળો બંધ કરી દેવામાં આવ્યા હતા.
પરંતુ લોકોમાં કોરોના મહામારી માટે જાગૃતિ આવતા સરકાર દ્વારા ધીરે-ધીરે છૂટછાટ આપવામાં આવી છે. ત્યારે અનલોક-5 બાગ-બગીચાઓને 8 મહિના બાદ સરકારે છુટ્ટી આપતા બાળકો સહીત મોટેરાઓમાં પણ આનંદ ઉત્સાહ જોવા મળ્યો છે. ભરૂચ શહેરમાં સોમવારથી સવારે 8થી 10 અને સાંજે 4થી 8 વાગ્યા સુધી બાગ બગીચાઓ ખોલવાના હોય પાલિકાએ દરેક બાગ-બગીચાઓમાં સૅનેટાઇઝરનો છંટકાવ કરીને તમામ પ્રકારની સાફ-સફાઈ કરાવી દેવામાં આવી છે.
નગરપાલિકાના પ્રમુખ સુરભી તમાકુવાલાએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીના કારણે સરકારી ગાઈડ લાઈન મુજબ દરેક બાગ- બગીચાઓ શરૂ કરવા આવનાર છે,તેની તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે.બગીચામાં આવનાર તમામ શહેરીજનોને માસ્ક,સૅનેટાઈઝર અને સોશ્યલ ડિસ્ટન્ટીંગનું પાલન કરવા અપીલ કરી છે.