



લદાખ અને અરૃણાચલ પ્રદેશની સરહદ નજીક સિચુઆન પ્રાંત અને લિંઝી વચ્ચે રેલવે લાઈન બિછાવવાનું ચીનનું ષડયંત્ર
નવી દિલ્હી,
ભારત-ચીન વચ્ચે સરહદી વિવાદ ચાલી રહ્યો છે ત્યારે ચીને દુનિયાની સૌથી મોટી એર લોન્ચ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું હતું. આ એર લોન્ચ એન્ટી શિપ બેલાસ્ટિક મિસાઈલ ૩૦૦૦ કિલોમીટર સુધીની મારક ક્ષમતા ધરાવે છે એવો દાવો ચીની મીડિયાએ કર્યો હતો. આ એર લોન્ચ મિસાઈલ ઓપરેશનલ થઈ ગઈ હોવાનું પણ કહેવાયું હતું.
ભારત-અમેરિકા સાથે ચીનને તંગદિલી ચાલી રહી છે. એટલે ચીનનું લશ્કર વિવિધ પરીક્ષણો કરી રહ્યું છે. લશ્કરી કવાયતો પણ હાથ ધરી રહ્યું છે. એના ભાગરૃપે ચીને વિશ્વની સૌથી મોટી એર લોન્ચ મિસાઈલનું પરીક્ષણ કર્યું છે. ચીનનું એક હાઈપરસોનિક એરક્રાફ્ટ એન્ટી શિપ બેલાસ્ટિક મિસાઈલ એર લોન્ચ વર્જન સાથે જોવા મળ્યું હતું. ચીનના સરકારી મીડિયાએ પણ વિશ્વના સૌથી મોટી એર લોન્ચ મિસાઈલનું પરીક્ષણ થયાનું કહ્યું હતું.
બીજી તરફ ચીને સૈન્ય જરૃરતોની ખરીદી શરૃ કરી છે. ચીને સૈન્યની જરૃરિયાતોને પૂરી કરવા માટે ચીનની બે ડઝન જેટલી કંપનીઓ સાથે કરાર કર્યા છે. ભારતની સરહદને ધ્યાનમાં રાખીને ચીને ગ્રાફીનના કપડાંની ખરીદી શરૃ કરી છે. આ કપડાં સૈનિકોને ગરમી આપે છે. તે ઉપરાંત પોર્ટેબલ સોલર ચાર્જર, ભોજન પૂરું પાડવા માટેનું વાહન, ચોપર ડ્રોન જેવી સામગ્રીની ખરીદી શરૃ કરી છે.
એટલું જ નહીં, ચીને લદાખ અને અરૃણાચલ પ્રદેશની સમાંતરે તેની સરહદમાં રેલવે લાઈન બિછાવવાનું પણ શરૃ કર્યું છે. દક્ષિણ-પશ્વિમ સિયુચાન પ્રાંતના યાન અને તિબેટના લિંઝીની વચ્ચે વ્યૂહાત્મક રીતે રેલવે લાઈનનું નિર્માણ શરૃ થયું છે. આ રેલવે લાઈનના કારણે ચીન સરહદે જથ્થાબંધ સામાન પહોંચાડી શકવા સક્ષમ બનશે. આ વિસ્તારમાં રેલવે કાર્યરત થઈ જાય તો ચેંગદુથી લ્હાસા વચ્ચેનું અંતર ૪૮ કલાકના બદલે ૧૩ કલાકમાં પૂરુ થઈ શકે છે.