



કોરોના કાળ : પેટાચૂંટણી થશે, અંકલેશ્વર પાલિકાની સભા મળી છતાં કોરોનાનું કારણ આગળ ધરતા વિપક્ષનો વાંધો
ભરૂચ નગર પાલિકાની સામાન્ય સભા નહીં બોલાવાતા વિપક્ષે સોમવારે પાલિકા પ્રમુખને અલ્ટીમેટમ આપ્યું છે. 72 કલાકમાં સામાન્ય સભા નહીં બોલાવો તો પ્રમુખની ચેમ્બર બહાર જમીન પર બેસી જનતા સભા કરવાની જાહેરાત કરતાં રાજકિય મોરચે ખળભળાટ મચી ગયો છે. વિકાસના બાકી રહેલા કામો પૂર્ણ કરાય તે માટે વહેલી તકે સામાન્ય સભા બોલાવવા વિપક્ષે પ્રમુખને આવેદન આપી હિસાબ, ગ્રાન્ટ અને રસ્તા ખાડાના મુદ્દે સભા નહીં બોલાવાતી હોવાનો આક્ષેપ કર્યો છે. બીજી તરફ પ્રમુખે કોરોનાના કારણે સભા નહીં બોલાવાતી હોવાનો બચાવ કર્યો છે.
નગરપાલિકાના નિયમો મુજબ દરેક પાલિકાએ દર ત્રણ મહિને સામાન્ય સભા કરવી જરૂરી છે.પરંતુ ભરૂચ નગરપાલિકાની માર્ચ મહિનામાં છેલ્લી બજેટની સામાન્ય સભા મળી હતી.જોકે ત્યાર બાદ કોરોના મહામારીમાં સરકારના લોકડાઉનના કારણે એપ્રિલની સામાન્ય સભા મોકૂફ રખાઈ હતી જયારે જુલાઈમાં પાલિકાના કર્મચારીઓ અને સભ્યો પણ કોરોના પોઝિટિવ આવતા સર્ક્યુલર ઠરાવ કરીને શહેરના પ્રાયોરિટીના કામોને દરેક સભ્યોના ઘરે એજન્ડાનો ઠરાવ મોકલીને સહી કરાવી હતી.પરંતુ હવે અનલોક-5 માં ઘણી બઘી છૂટછાટ મળી છે તેમ છતાં ભરૂચ નગર પાલિકાના શાષક પક્ષ દ્વારા ઓક્ટોબરની સામાન્ય સભા નહીં બોલવવામાં આવતા વિપક્ષના સભ્યોમાં રોષ ફેલાઈ ગયો છે.
ભરૂચની જનતા અને શહેરના વિકાસના કામોની ચર્ચા થવી જરૂરી હોવાથી સોમવારે વિપક્ષના પ્રમુખ સમસાદ અલી સૈયદે તેમના સભ્યો સાથે પાલિકા પ્રમુખને આવેદનપત્ર આપીને વહેલી તકે સામાન્ય સભા બોલાવવા રજૂઆતો કરી હતી.વિપક્ષે પાલિકાના પ્રમુખને 72 કલાકનું અલ્ટીમેટમ આપી જો વહેલી તકે એજન્ડાઓ બહાર પાડી સામાન્ય સભાની તારીખ નક્કી કરવા રજૂઆત કરી હતી નહિ બોલાવાય તો પ્રમુખની કેબીનની બહાર વિપક્ષના સભ્યો નીચે બેસી જનતા સભા ચલાવવાની ચીમકી ઉચ્ચારી છે.
કોરોનાને ધ્યાનમાં રાખીને સભા બોલાવાય નથી : પાલિકા પ્રમુખ
ભરૂચ પાલિકા પ્રમુખ સુરભી તમાકુવાલાએ જણાવ્યું કે પાલિકામાં કેટલાય સભ્યો અને કર્મીઓ કોરોનાગ્રસ્ત થયા હતા.કેટલાય કર્મીઓએ જીવ પણ ગુમાવ્યા છે.જોકે સામાન્ય સભા બંધ બારણે બોલાવાતી હોય છે અને લગભગ 3 થી 4 કલાક સભા ચાલતી હોય છે. હાલની કોવિડની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા સંક્ર્મણ ફેલાવાનો ભય રહેલો છે.હજુ કોરોનાનું સંક્ર્મણ ઓછું થયું નથી.જેથી આ મહિને સામાન્ય સભા બોલવાઈ નથી.વિપક્ષ દ્વારા કરાઇ રહેલા તમામ આક્ષેપો ખોટા છે.
વિધાનસભા-લોકસભા ચાલી શકતી હોઇ તો આ કેમ ના ચાલે : વિપક્ષ
વિપક્ષ નેતા સલિમભાઇ અમદાવાદી તેેમજ સમસાદઅલી સૈયદે જણાવ્યું હતું કે પાલિકાએ દર 3 મહિને સામાન્ય સભા બોલાવી પડે છે.પરંતુ 6 મહિના થઈ ગયા હોવા છતાં વિવિધ ગ્રાંટો અને પ્રોજેક્ટોના કામો કરવા કોઈ આયોજનો કરાયા નથી.કોરોના કાળમાં જો વિધાનસભા અને લોકસભા ચાલતી હોય તો શું પાલિકાની સામાન્ય સભા યોજાઈ ન શકે.અમને જાણવા મળ્યું છે કે, તેમની પાસે ત્રિમાસિક કોઈ હિસાબો નથી અને વિપક્ષના વિવિધ સવાલોના જવાબો નહીં હોવાથી સભાને ઠેલવી રહ્યાં છે.
સભા નહીં બોલાવા પાછળ આપેલા કારણો
- હિસાબ : ત્રિમાસિક હિસાબો રજૂ કરવાના હોય તેમાં ગોટાળા હોવાના કારણે
- રોડ-રસ્તા : રોડ-રસ્તાના કામો બાકી હોય અને આયોજનો નહીં થયા
- ગ્રાન્ટ :- 12 કરોડની ગ્રાન્ટના વિકાસના કામો નથી થયા