



હુમલામાં આતંકીઓની અનેક મોટરસાઇકલનો પણ ખાતમો, સ્થળ પરથી મોટા પ્રમાણમાં વિસ્ફોટક સામગ્રી મળી
બમાકો,
ફ્રાન્સનો મુસ્લિમ દેશોમાં કાર્ટૂનના વિવાદને પગલે વિરોધ થઇ રહ્યો છે ત્યારે ફ્રાન્સે માલીમાં આતંકીઓ પર એરસ્ટ્રાઇક કરી છે, જેમાં અલ કાયદાના 50થી વધુ આતંકીઓનો ખાતમો બોલાવવામાં આવ્યો છે. આ જાણકારી ફ્રાન્સ સરકાર દ્વારા આપવામાં આવી હતી. આતંકીઓનો એક મોટો કાફલો જઇ રહ્યો હતો જેના પર આ બોમ્બમારો કરાયો હતો.
ફ્રાન્સના સંરક્ષણ મંત્રી ફ્લોરેન્સ પાર્લીએ જણાવ્યું હતું કે 30મી ઓક્ટોબરના રોજ માલીમાં સૈન્ય અને એરફોર્સ દ્વારા હવાઇ હુમલા કરવામાં આવ્યા હતા. અહીં મોટા પ્રમાણમાં આતંકીઓ છુપાયા હોવાની બાતમી મળ્યા બાદ આ નિર્ણય માલી સરકાર સાથેની ચર્ચા બાદ લેવામાં આવ્યો હતો. હાલ માલીમાં ફ્રાન્સ સૈન્ય અને માલી બન્ને મળીને એન્ટી જિહાદી ઓપરેશન બરખાને ચલાવવામાં આવી રહ્યું છે.
ફ્રાન્સે એરસ્ટ્રાઇક અંગે વધુ માહિતી આપતા કહ્યું હતું કે આ હવાઇ હુમલામાં 30થી વધુ મોટરસાઇકલનો પણ ખાતમો બોલાવવામાં આવ્યો હતો જેનો ઉપયોગ આતંકીઓ દ્વારા કરવામાં આવી રહ્યો હતો. ફ્રાન્સે સૌથી પહેલા આતંકીઓની જાણકારી ડ્રોન દ્વારા મેળવી હતી.
આતંકીઓ બહુ જ મોટી સંખ્યામાં મોટરસાઇકલ પર સવાર થઇને બોર્ડર એરિયામાંથી પસાર થઇ રહ્યા હતા. જોકે આતંકીઓને ડ્રોનની જાણકારી મળી જતા તેઓ જંગલમાં જતા રહ્યા હતા, બાદમાં ફ્રાન્સે બે મિરાજ જેટ મોકલ્યા હતા, જેના દ્વારા બોમ્બમારો કરવામાં આવ્યો હતો અને આશરે 50થી વધુ આતંકીઓનો ખાતમો બોલાવ્યો હતો.