



કોરોનાકાળને પગલે સર્વિસ ચાર્જીસનો નિર્ણય પાછો ખેંચાયો, અન્ય સરકારી બેન્કો પણ હાલ ચાર્જ નહીં વધારે : નાણાંમંત્રાલય
(પીટીઆઈ) નવી દિલ્હી
કોરોનાકાળમાં ત્રીજા ક્રમની સૌથી મોટી સરકારી બેન્ક બેન્ક ઓફ બરોડાએ 1લી નવેમ્બરથી વિવિધ સેવાઓ પર અલગ અલગ ચાર્જ વસૂલવાનો નિર્ણય લીધો હતો. જોકે, આ અંગે હોબાળો થતાં બેન્કે તેના આ નિર્ણય પાછો ખેંચી લીધો છે.
વધુમાં નાણામંત્રાલયે મંગળવારે ખુલાસો કર્યો હતો કે કોઈપણ સરકારી બેન્કમાં સર્વિસ ચાર્જીસમાં કોઈપણ જાતનો વધારો કરવામાં આવ્યો નથી. બેન્ક ઓફ બરોડાએ 1લી નવેમ્બરથી સેવિંગ્સ એકાઉન્ટના ખાતેદારો પાસેથી માસિક ત્રણ વધુના જમા પર રૂ. 40 અને ઉપાડ પર રૂ. 100નો ચાર્જ વસૂલવાનો તેમજ કેશ ક્રેડિટ, ચાલુ ખાતા અને ઓવરડ્રાફ્ટ ખાતામાં દૈનિક એક લાખ રૂપિયાથી વધુની રકમ માટે ચાર્જ વસૂલવાનો નિર્ણય લીધો હતો.
ઉપરાંત કેશ હેન્ડલિંગ મશીનની લેવડ-દેવડ પર પણ ચાર્જ વસૂલવાનો નિર્ણય લેવાયો હતો. બેન્ક ઓફ બરોડા પછી અન્ય સરકારી બેન્કો પણ આ પ્રકારનો ચાર્જ વસૂલવા નિર્ણય લેવાની હતી. જોકે, આ અંગે ભારે હોબાળો થતાં બેન્ક ઓફ બરોડાએ આ નિર્ણય પાછો ખેંચવાની ફરજ પડી હતી.
વધુમાં નાણામંત્રાલયે મંગળવારે ખુલાસો કરવો પડયો હતો કે, કોઈપણ સરકારી બેન્ક સર્વિસ ચાર્જીસમાં કોઈ વધારો નથી કરી રહી. નાણામંત્રાલયે મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, બેન્ક ઓફ બરોડાએ 1લી નવેમ્બર 2020થી અમલમાં આવે તે રીતે માસિક મફત રોકડ જમા કરાવવા અને ઉપાડવા પર ચાર્જીસની વસૂલાતમાં ચોક્કસ ફેરફાર કર્યા હતા. જોકે, આ નિર્ણય પાછો ખેંચાયો છે.
હવે બેન્કમાં અગાઉની જેમ જ માસિક પાંચ વખતના જમા-ઉપાડ પર કોઈ ચાર્જ વસૂલવામાં નહીં આવે. બેન્ક ઓફ બરોડાએ મંત્રાલયને જણાવ્યું છે કે વર્તમાન કોરોના મહામારીની સિૃથતિને ધ્યાનમાં લેતાં તેમણે ચોક્કસ સેવાઓમાં ચાર્જીસ વધારવા સંબંિધત અમલ હાલ મૂલતવી રાખવાનો નિર્ણય કર્યો છે.
અન્ય કોઈપણ સરકારી બેન્કે પણ તાજેતરમાં સેવાઓ સંબંિધત કોઈ ચાર્જ વધાર્યા નથી. જોકે, ભારતીય રિઝર્વ બેન્કની માર્ગદર્શિકા મુજબ સરકારી બેન્કો સહિત બધી જ બેન્કો તેમની સેવાઓ માટે વ્યાજબી, પારદર્શી અને બીનપક્ષપાતી રીતે ચાર્જ વસૂલી શકશે. જોકે, આ ચાર્જીસ તેમના ખર્ચ પર આધારિત હશે.
અન્ય સરકારી બેન્કોએ પણ નાણામંત્રાલયને જણાવ્યું છે કે કોરોના મહામારીના કારણે નજીકના ભવિષ્યમાં તેમની વિવિધ બેન્કિંગ સેવાઓ પર ચાર્જીસ વધારવાનો તેમનો કોઈ આશય નથી. બેઝિક સેવિંગ્સ બેન્ક ડીપોઝિટ ખાતાઓના સંદર્ભમાં નાણામંત્રાલયે જણાવ્યું હતું કે, 41.13 કરોડ જનધન ખાતાઓ સહિત 60.04 કરોડ ખાતાઓ પર કોઈ સેવા ચાર્જ લાગુ પડતો નથી તેમ મંત્રાલયે જણાવ્યું હતું.