



ગત ચૂંટણી કરતાં ઓછુ મતદાન, સૌથી વધુ 74.71 ટકા મતદાન ડાંગમાં, સૌથી ઓછું 45.74 ટકા મતદાન ધારીમાં
અમદાવાદ, કોરોનાકાળ વચ્ચે યોજાયેલી પેટાચૂંટણીમાં મતદારોની નિરસતા આંખે ઉડીને વગળી હતી . આઠેય વિધાનસભા બેઠકોમાં સરેરાશ 58.66 ટકા મતદાન થયા હોવાનો અંદાજ છે. પેટાચૂંટણીમાં મતદાનના અંતે કુલ 81 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ થયા છે.
હવે 10મી નવેમ્બરે મતગણતરી યોજાશે જેમાં પક્ષપલટુઓની રાજકીય તકદીરનું પરિણામ આવશે. મતદારો કોને સિહાસન પર બેસાડશે અને કોને ઘરનો રસ્તો દેખાડશે તે ખબર પડશે. અત્યારે તો ભાજપ-કોંગ્રેસે જીતના દાવા કર્યાં છે.
ગુજરાતમાં કોરોના વચ્ચે આઠ વિધાનસભા મતવિસ્તારમાં પેટાચૂંટણી યોજાઇ હતી. કોવિડની માર્ગદર્શિકાના પાલન સાથે અબડાસા, ડાંગ. કપરાડા ,કરજણ , મોરબી , ધારી , ગઢડા અને લિંબડીમાં વહેલી સવારથી મતદાનનો પ્રારંભ થયો હતો.મતદાન કેન્દ્રથી માંડીને બુથ પર કોરોનાનું સંક્રમણ ન થાય તેની ખાસ કાળજી રખાઇ હતી.
જોકે,આ વખતે મતદારોએ પેટાચૂંટણીમાં ઝાઝો રસ દાખવ્યો ન હતો તેવુ સ્પષ્ટ જોવા મળ્યુ હતું. ગત વખતની ચૂંટણીના સરખામણીમાં આ વખતે ચૂંટણીમાં નિરસતા જોવા મળી હતી. આંખે ઉડીને વળગે તેવી વાત એ હતીકે, આદિવાસી વિસ્તાર ડાંગમાં સૌથી વધુ 74.71 ટકા મતદાન નોંધાયુ હતું. આદિવાસીઓએ મતદાનમાં ખુબ જ ઉત્સાહ દેખાડયો હતો.
સવારથી માંડીને સાંજ સુધી મતદાન મથકો પર લાંબી લાઇનો જોવા મળી હતી. કપરાડામાં ય 67.34 મતદાન નોધાયુ હતું પણ અહીં સૃથાનિક ભાજપના નેતાઓને એ ચિંતા છેકે, ગત વખતની ચૂંટણીમાં મતદારોએ એટલો ઉત્સાહ દાખવી મતદાન કર્યુ હતું કે, અહીં 84 ટકા મતદાન થયુ હતું. પણ આ વખતે મતદારો નિરસ રહ્યા હતાં.
બીજી તરફ, ધારીમાં ઉલટુ જ ચિત્ર જોવામળ્યુ હતું. અહીં મતદારો જાણે એકદન નિરસ રહ્યાં હતાં. વર્ષ 2017માં આ જ બેઠક પર 60 ટકા મતદાન નોંધાયુ હતું તેના બદલે આ વખતે માત્ર 45.74 ટકા મતદાન થયુ હતું. આઠેય બેઠકોમાં ધારીમાં સૌથી ઓછુ મતદાન થયુ હતું જેના કારણે ખાસ કરીને ભાજપની ચિંતા વધી હતી.
બપોર બાદ તો મતદાન મથકો જાણે સૂમસામ બન્યા હતાં. અબડાસામાં ય 61.31 ટકા મતદાન થયુ હતું. લિબડીમાં 56.56 ટકા મતદાન થયા હોવાના અહેવાલ સાંપડયા છે. મોરબીમાં ય ભાજપના ધાર્યા કરતાં ઓછુ મતદાન થયુ હતું કેમ કે, ગત વખતની ચૂંટણીમાં આ જ બેઠક પર 64 ટકા મતદાન નોધાયુ હતું ત્યારે આજે 51.88 ટકા મતદાન થયુ હતું.
ભાજપે બુથ મેનેજમેન્ટ થકી વધુ મતદાન કરાવવા ભરપૂર પ્રયાસો હાથ ધર્યા હતાં તેમ છતાંય પ્રમાણમાં ઓછુ મતદાન થયુ હતું. કરજણમાં સરેરાશ મતદાનની ટકાવારી 69.96 રહી હતી. આમ, વર્ષ 2017ની ચૂંટણી સાથે સરખામણી કરતાં પેટાચૂંટણી નિરસ બની રહી હતી. હવે 10મીએ મતગણતરી થશે જેમાં મતદારો શુ નિર્ણય લીધો છે તે જાહેર થશે.
પેટાચૂંટણીમાં આઠેય બેઠકો પર સરેરાશ મતદાન
બેઠક |
મતદાનની |
(વર્ષ 2017ની |
|
ટકાવારી |
ચૂંટણીમાં મતદાન |
ગઢડા |
47.86 ટકા |
68 ટકા |
ધારી |
45.74 ટકા |
60 ટકા |
ડાંગ |
74.71 ટકા |
74 ટકા |
કપરાડા |
67.34 ટકા |
84 ટકા |
લિંબડી |
56.56 ટકા |
64 ટકા |
મોરબી |
51.88ટકા |
72 ટકા |
અબડાસા |
61.31ટકા |
67 ટકા |
કરજણ |
69.96 ટકા |
77 ટકા |