



રાજ્યમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો અવનવા કીમિયા અપનાવીને વિવિધ બોર્ડરો પરથી ગુજરાતમાં દારૂ ઘૂસાડતાં હોય છે. પરંતુ પોલીસ પણ તેમના બાતમીદારો અથવા ચેકપોસ્ટ ઉપર વાહન ચેકીંગ દરમિયાન કરોડોનો દારૂને ઝડપી પાડતી હોય છે.
બુટલેગરો પાસેથી પકડાયેલો દારૂનો જથ્થો તે વિસ્તારમાં આવેલા પોલીસ મથકમાં જમા કરાવાતો હોય છે.ત્યારે ભરૂચ શહેર પોલીસ ડિવિઝનમાં આવતા 9 પોલીસ મથકોએ વર્ષ દરમિયાન પકડેલા દારૂના મુદ્દામાલનું ભારણ વધી ગયું હોવાથી તેમજ લિગલ પ્રોસિજરના ભાગ રૂપે પોલીસે કોર્ટની મંજૂરી બાદ આ દારૂના જથ્થાને નાશ કરવામાં બહાર કાઢ્યો હતો.
જેમાં એ ડિવિઝન પોલીસે 25,26 લાખ,બી ડિવિઝન 61 હજાર,સી ડિવિઝન 19.79 લાખ, ભરૂચ તાલુકા 79 હજાર,પાલેજ 15.62 લાખ,દહેજ 4.06 લાખ,દહેજ મરીન 2.22 લાખ, વાગરા 57 લાખ અને સૌથી વધારે નબીપુર પોલીસ મથકમાંથી 93.70 લાખનો મુદ્દામાલ મળીને કુલ 1.62 કરોડ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.જેનો મંગળવારના રોજ ચાવજ ખાતે બંધ પડેલી વિડીયોકોન કંપનીમાં એસડીએમ એન.એમ.પ્રજાપતિ અને એએસપી વિકાસ સુંડા અને પીઆઈ,પીએસઆઈઓની હાજરીમાં બુલડોઝર ફેરવી દેવાયું હતું.