



ઝઘડિયા તાલુકાના ગુમાનદેવ મંદિરના મહંત ઉપર ટોળાએ કરેલા હુમલા પ્રકરણમાં છ દિવસ દરમિયાન પોલીસે ચાર મહિલા અને પાંચ યુવાનો મળી કુલ 9 લોકોની ધરપકડ કરી છે. ગત તારીખ 28 ઓક્ટોબરના વહેલી સવારના સમયે ગુમાનદેવ બસ સ્ટેન્ડ ઉપર વાહનની રાહ જોતા ચાર વ્યક્તિઓને અજાણ્યા વાહને ટક્કર મારી હતી. જેમાં ત્રણ મહિલાઓના મોત નીપજ્યા હતા. જ્યારે એક યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો.
અકસ્માત બાદ ઉશ્કેરાયેલા ટોળાએ ગુમાનદેવ મંદિરના મહંત મનમોહન દાસ ઉપર હુમલો કરી રોકડ રકમ સહિત સોના ચાંદીના દાગીનાની લૂંટ ચલાવી હતી. ઉશ્કેરાયેલા ટોળાએ કુલ 8.80 લાખની રોકડ સહિતા મુદ્દામાલની લૂંટ ચલાવી હોવાની ફરિયાદ ગુમાનદેવ મંદિરના મહંતે ઝઘડિયા પોલીસ મથકે નોંધાવી છે.
આ બનાવના છ દિવસ બાદ ઝઘડિયા પોલીસે અત્યારસુધી ચાર મહિલા અને પાંચ યુવાનો મળી નવ વ્યક્તિઓની ધરપકડ કરી છે. ઝઘડિયા પોલીસે મહંત ઉપર હુમલો કરવાના પ્રકરણમાં ઇચ્છાબેન કેશવ પટેલ, રેવાબેન સોમા પટેલ, ભાવનાહેન કિશોર પટેલ, કાશીબેન હસમુખ પટેલ, હર્ષદ શૈલેશ પટેલ, હિતેશ હસમુખ પટેલ, મયુર રમેશ પટેલ, રામુ નારણ પટેલ, ભાવિન રમેશ પટેલની પોલીસે ધરપકડ કરી છે. જે પૈકી બે મહિલાને પોલીસે કોર્ટમાં રજૂ કર્યા બાદ તેમને ભરૂચ સબજેલમાં મોકલી અપાયા છે. જ્યારે હુમલામાં સામેલ અન્ય લોકોની શોધખોળ ચાલી રહી છે.