



10 મહિનામાં છ જીવલેણ આગ, 39 મોત : 3 પ્રોસેસ હાઉસમાં 26નો ભોગ
અમદાવાદમાં જીવલેણ આગના બનાવો ચિંતાજનક રીતે વધ્યાં છે. પિપળજ રોડ પર એક કારખાનાનું બોઈલર ફાટયા પછી કપડાંના ગોડાઉનમાં લાગેલી આગથી કુલ 12ના મૃત્યુ નિપજ્યાં છે. વર્ષ 2020 વસમુ હોય તેમ ચાલુ વર્ષે જીવલેણ આગના અડધો ડઝન બનાવોમાં 39 માનવજીંદગી ભરખાઈ ચૂકી છે.
ચોંકાવનારી બાબત એ છે કે, ચાલુ વર્ષે ત્રણ ક્લોથ પ્રોસેસ હાઉસમાં લાગેલી આગમાં જ 26 કામદારોએ જીવ ગુમાવ્યાં છે. એક સમયે માન્ચેસ્ટર ગણાતાં અમદાવાદના કાપડ પ્રોસેસ હાઉસો અને ઉદ્યોગોમાં ફાયરસેફ્ટીના મામલે ઘોડા કાગળ પર જ દોડી રહ્યાં હોય તેવી સ્થિતિ છે.
અમદાવાદમાં અગ્નિકાંડની વધુ એક ઘટના બની. એક ફેકટરીમાં બોઈલર એવું ફાટયું કે કાપડ ફેક્ટરી અને આસપાસના એકમોમાં કામ કરતાં 12 કામદારોએ જીવ ગુમાવ્યાં અને 8 સારવાર હેઠળ છે. વર્ષ 2020 વસમુ હોય તેમ ચાલુ વર્ષે જીવલેણ આગના અડધો ડઝન બનાવોમાં જ 38 વ્યક્તિએ જીવ ગુમાવ્યા છે.
સૌથી ગંભીર ઘટના નવરંગપુરાની શ્રેય હોસ્પિટલમાં બની હતી અને આઠ કોરોના પેશન્ટની જીંદગી છીનવાઈ હતી. તો, ચિરિપાલ ગુ્રપના નારોલ ખાતેની નંદન એક્ઝિમ અને ધોળકાની વિશાલ ફેબ્રિક્સ નામના પ્રોસેસ હાઉસમાં આગના બે બનાવમાં 14 વ્યક્તિઓએ જીંદગી ગુમાવી છે.
આમ, કાપડ પ્રોસેસ હાઉસમાં આગની ત્રણ ઘટના બની તેમાં જ કુલ પચ્ચીસ લોકોએ જીંદગી ગુમાવી છે. એક સમયે માન્ચેસ્ટર ગણાતાં અમદાવાદના કાપડ પ્રોસેસ હાઉસોમાં ફાયરસેફ્ટીના મુદ્દે ઘોડા કાગળ પર જ દોડતા હોય તેવી ઘટના વારંવાર બને છે. થોડા દિવસ ચર્ચા થાય પછી ફરી જૈસે થે જેવી સિૃથતિ સર્જાઈ જાય છે.
અમદાવાદ અને ગુજરાત રાજ્યમાં અનેક ઔદ્યોગિક એકમો છે અને વર્ષેદહાડે આગ અને અન્ય દુર્ઘટનાના બનાવો બનતાં રહે છે. સૌથી કફોડી હાલત રાજ્યના આિર્થક પાટનગર અમદાવાદની છે. અમદાવાદ ફાયરબ્રિગેડ પાસે અત્યાધુનિક સાધન સામગ્રી છે અને પૂરતો સ્ટાફ પણ છે.
આગ કે દુર્ઘટના બને ત્યારે ફાયરબ્રિગેડની કામગીરી વખાણવાલાયક હોય છે. પણ, આ સિવાયના દિવસોમાં દુર્ઘટના ન બને તે માટે પ્રિવેન્શન કામગીરીના ભાગરૂપે નિયમપાલન કરાવવાનું હોય તેમાં ફાયરબ્રિગેડ તંત્ર ઊણું ઉતરે છે તેમ કહેવામાં અતિશયોક્તિ નથી. ખાસ કરીને કાપડ પ્રોસેસ હાઉસોમાં ફાયરસેફ્ટીના મુદ્દે નિયમોના ઘોડા કાગળ પર જ દોડી રહ્યાં છે.
વસમું વર્ષ 2020 : છ જીવલેણ આગમાં 39 જીવ હોમાયા
* પિરાણા, પીપળજ રોડ પ્રોસેસ હાઉસમાં આગ: 12 મોત
* નવરંગપુરા શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ: 8 કોરોના પેશન્ટના મૃત્યુ
* નારોલ ચિરિપાલ ફેક્ટરી (નંદન એક્ઝિમ) આગ: 8 કર્મચારીના મૃત્યુ
* ધોળકા વિશાલ ફેબ્રિક્સ (ચિરિપાલ ગુ્રપ)માં આગ: 6ના મોત
* ઓઢવ લોટસ લેબલ ઈન્ડસ્ટ્રીઝમાં આગ: 3 મોત
* ગોતાના ગણેશ જીનેસીસ ટાવરમાં આગ: બે મોત