



ભારત ઉપરાંત બ્રિટન, બેલ્જિયમ અને ફિલિપાઈન્સના નાગરિકોના ચીન આગમન પર પણ પ્રતિબંધ : જિનપિંગે પ્રતિબંધ મૂક્યો
ચીની દૂતાવાસની વેબસાઈટમાં જાહેરાત કરવામાં આવી હતી એ પ્રમાણે ભારતીય નાગરિકો અત્યારે ચીનનો પ્રવાસ કરી શકશે નહીં. ભારત ઉપરાંત બ્રિટન, બેલ્જિયમ અને ફિલિપાઈન્સના નાગરિકો પર ચીનમાં પ્રવેશવાનો પ્રતિબંધ મૂકાયો છે. કોરોના ન ફેલાય તે માટે આ નિર્ણય લેવાયો હોવાનું કહેવાયું હતું.
દુનિયાભરમાં કોરોના ફેલાવનાર ચીને હવે કોરોના ન ફેલાય તેવું કારણ આગળ ધરીને ઘણાં દેશોના નાગરિકોને ચીન પ્રવેશવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. ચીનના દૂતાવાસની વેબસાઈટમાં જિનપિંગનો નિર્ણય રજૂ કરવામાં આવ્યો હતો. એ પ્રમાણે બ્રિટન, ભારત, બેલ્જિયમ અને ફિલિપાઈન્સના નાગરિકો ચીનમાં જઈ શકશે નહીં.
ચીને સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે ચીની દૂતાવાસ અને વાણિજ્ય દૂતાવાસ આ દેશના નાગરિકોને ચીન જવાની પરવાનગી આપશે નહીં. ચીનમાં ફરીથી કોરોનાના કેસ વધશે તેવી ભીતિથી ચીને આ નિર્ણય લીધો હતો. તે ઉપરાંત અમેરિકા, ફ્રાન્સ, જર્મની જેવા દેશોના નાગરિકોએ ચીનમાં આવવા માટે વિશેષ પ્રમાણપત્ર આપવું પડશે અને ખાસ હેલ્થ ચેકઅપમાંથી પસાર થવું પડશે.
ચીની અિધકારીઓને તેમની હેલ્થ બાબતે જરા પણ શંકા પડશે તો ચીનમાં પ્રવેશ મળશે નહીં. ચીને બ્રિટનના તો કાયમી રહેઠાણ ધરાવતા હોય અને અત્યારે બ્રિટનમાં હોય એવા નાગરિકોના આવવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે. આ નાગરિકો પાસે વિઝા હોવા છતાં તેમને નવા નોટિફિકેશન સુધી બ્રિટનમાં જ રહેવું પડશે. બ્રિટિશ ચેમ્બર્સ ઓફ કોમર્સે આ બાબતે નારાજગી દર્શાવીને કહ્યું હતું કે વેપારીઓ ચીન આવી શકશે નહીં તેના કારણે બંને દેશોના વેપાર પર અસર થશે.