



મુંબઈ, તા. 5 નવેમ્બર, 2020, ગુરૂવાર
2018ના આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાના કેસમાં 18 નવેમ્બર સુધી અદાલતી કસ્ટડીમાં મોકલાવાયેલા રિપબ્લિક ટીવીના એડીટર ઈન ચીફ અર્ણબ ગોસ્વામીને વચગાળાના રાહત આપવાનો બોમ્બે હાઈકોર્ટે ઈનકાર કર્યો છે. ફરિયાદી અને રાજ્ય સરકારને સાંભળ્યા વિના વચગાળાનો આદેશ આપી શકાયનહીં, એમ ન્યા. શિંદે અને ન્યા. કર્મિકે જણાવીને અરજીની સુનાવણી શુક્રવારે બપોરે ત્રણ વાગ્યે મોકૂફ રાખી છે.
કોર્ટે ગોસ્વામીને આ કેસમાં ફરિયાદી અક્ષતા નાઈક (અન્વયની પત્ની)ને પ્રતિવાદી કરવાનો નિર્દેશ આપ્યો છે. અરજીમાં મગાયેલી વચગાળાની રાહત આપવા પૂર્વે અમારે તમામ પક્ષોને સાંભળવા પડશે. મૃતકના પરિવારે તપાસ ટ્રાન્સફરની અરજી કરી હોવાથી ફરિયાદીને પણ અમારે સાંભળવા પડશે. પ્રતિવાદીઓનો જવાબ સાંભળ્યા બાદ પ્રતિવાદીઓનો જવાબ સાંભળ્યા બાદ આવતીકાલે અરજીને વિચારણામાં લેવામાં આવશે.
ગોસ્વામી વતી વરિષ્ઠ વકીલ આબાદ પોન્ડાએ જણાવ્યું હતું કે અલીબાગ મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ કરાયેલી જામીન અરજી પાછી ખેંચી લેવાઈ છે. મેજિસ્ટ્રેટે સ્પષ્ટતા કરી નથી કે જામીન અરજીની સુનાવણી થશે કે નહીં અને કેસ સેશન્સ કોર્ટના અધિકાર ક્ષેત્રમાં હોવાથી સુનાવણી કરવાની મુશ્કેલી વ્યક્ત કરી હતી. આથી અમે હાઈકોર્ટમાં વચગાળાના જામીન માટે અરજી કરી રહ્યા છીએ. એમ પોન્ડાએ જણાવ્યું હતું.
અલીબાગ કોર્ટે ગોસ્વામી અને અન્ય બેને 18 નવેમ્બર સુધીની અદાલતી કસ્ટડી આપી હતી. પોલીસે 14 દિવસની કસ્ટડી માગીહતી. પણ કોર્ટે કસ્ટોડિયલ પૂછપરછની જરૂર ન હોવાનું જણાવ્યું હતું. બુધવારે રાત્રે ગોસ્વામીને તબીબી તપાસ માટે રાજ્ય સંચાલિત હોસ્પિટલમાં લઈ જવાયા હતા. સ્થાનિક સ્કૂલમાં આખી રાત વિતાવી હતી. આ સ્કૂલને અલીબાગ જેલ માટે કોવિડ સેન્ટર તરીકે નિયુક્ત કરાઈ હતી.
આર્કિટેક્ટ- ઈન્ટીરીયર ડિઝાઈનર અન્વય નાઈક અને તેની માતાની આત્મહત્યા સંબંધી કેસમાં ગોસ્વામી અને અન્ય બે સામે આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાનો કેસ નોંધાયો છે. રિપબ્લિક ટીવી દ્વારા પૈસાની ચૂકવણી નહીં કરાતાં નાઈકે આ પગલું ભર્યું હતું. નાઈકે સ્યુસાઈડ નોટમાં જણાવ્યું હતું કે ગોસ્વામી, ફીરોઝ શેખ અને નિતેશ સરદા આ માટે જવાબદાર છે.
ગોસ્વામી વતી આબાદ પોન્ડાએ દલીલ કરી હતી કે તપાસ સંદતર ગેરકાયદે છે. કેસ રિઓપન કરીને નવેસરથી તપાસ શરૂ કરવી એ ક્રિમિનલ લોના સિધ્ધાંતના વિરૂધ્ધ છે. પોલીસે 2019માં ફાઈલ કરેલી ‘એ’ સમરી મેજિસ્ટ્રેટે સ્વીકારી હતી. અદાલતી આદેશ વિના પોલીસે સ્વેચ્છાએ આ બાબતમાં દખલ કરી છે. પોલીસની સમરી સામે યોગ્ય આદેશ મેળવવો જરૂરી છે.
પોલીસે કેસ રિઓપન કરીને મેજિસ્ટ્રેટ માટે અનાદર વ્યક્ત કર્યો છે. પોલીસે માત્ર કેસ રીઓપનની જાણ મેજિસ્ટ્રેટને કરી છે. કોર્ટે પરવાનગી આપી નથી. નાઈક પરિવારે મેજિસ્ટ્રેટ કોર્ટમાં અરજી કરવી જોઈએ. હાઈકોર્ટમાં વધુ તપાસની માગણી કરી શકે નહીં. જોકે કોર્ટે તેમની અરજી સાંભળવાની સંમતી દર્શાવી છે.