



- ભરૂચની નાયબ ખેતીવાડી નિયામક (વિસ્તરણ) કચેરીમાં અચાનક અવાજ આવતાં કર્મીઓમાં દોડધામ
- ભરૂચના બહુમાળી ભવનની કચેરીઓના ખસ્તાહાલ
ભરૂચના બહુમાળી ભવનમાં આવેલી નાયબ ખેતિવાડી નિયામક (વિસ્તરણ) કચેરીમાં બપોરના સમયે મુખ્ય અધિકારીની કેબીનમાં સ્લેબનો 20 ફૂટનો પોપડો અચાનક ખરી પડ્યો હતો. અધિકારી કેબીનમાં હાજર ન હોઇ તેમનો આબાદ બચાવ થયો હતો. જોકે, પોપડા પડવાની અવાજથી કર્મચારીઓ ગભરાઇ જતાં દોડધામ મચી હતી.ભરૂચની કલેક્ટર કચેરીની પાછળ આવેલી બહુમાળી ભવનના ત્રીજા માળે આવેલી નાયબ ખેતિવાડી નિયામક (વિસ્તરણ) કચેરીમાં બપોરના સમયે અચાનક દોડધામ મચી હતી.
કચેરીના મુખ્ય અધિકારી વિજયસિંહ સોલંકીની કેબીનમાં સ્લેબનો અંદાજે 20 ફૂટ જેટલો પોપડો અચાનક મોટા અવાજે નીચે પડતાં કચેરીમાં કામ કરતાં કર્મચારીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો. એક તબક્કે ભુકંપ થયો હોય તેવી ભિતીએ કર્મીચારીઓમાં દોડધામ મચી હતી. જોકે સદનશીબે મુખ્યઅધિકારી વિજયસિંહ સોલંકી કામ અર્થે જિલ્લા પંચાયત ખાતે ગયાં હોઇ તેમની કેબીન ખાલી હોઇ તે જ સમયે પોપડા પડતાં તેમનો આબાદ બચાવ થયો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, અગાઉ પણ અનેકવાર સરકારી કચેરીઓમાં પોપડા પડવાની ઘટના બની છે. ત્યારે વિસ્તરણ કચેરીમાં પણ નાના પોપડાં ખરતાં કચેરી દ્વારા ત્રણવાર આરએન્ડબીમાં તે અંગે જાણ કરી મરામત કરાવવા માટે રજૂઆત કરી હતી. જોકે, તેના સંદર્ભમાં કોઇ કામગીરી થઇ ન હતી. દરમિયાનમાં આજે બનેલી ઘટનાથીકચેરીમાં કામ કરતાં તેમજ બહુમાળીની અન્ય કચેરીઓના અધિકારીઓ-કર્મચારીઓમાં ભયનો માહોલ ફેલાયો છે.
આરએન્ડબીમાં 3 વાર રજૂઆત કરી છે
જિલ્લા પંચાયત ખાતે આવેલી ખેતિવાડીની કચેરીમાં કામ હોઇ હું ત્યાં ગયો હતો. તે વેળાં આ ઘટના બની હતી. અગાઉ પણ નાના પોપડા પડતાં અમે આરઅેન્ડબીને તે અંગે રજૂઆત કરી છે. પરંતું કોઇ કાર્યવાહી હજી સુધી થઇ નથી. – વિજયસિંહ સોલંકી, નાયબ ખેતિવાડી નિયામક(વિસ્તરણ).