



સંજય પાગે – સયાજીમાં સારસંભાળ : સયાજી હોસ્પિટલની કોરોના સારવાર સુવિધા હેઠળ એક તબીબની કરવામાં આવી મેરેથોન સારવાર: 36 થી વધુ દિવસની સઘન સારવાર પછી ડો.મહેશભાઈ કોરોના ની જડબેસલાક પકડમાં થી લગભગ મુક્ત થઈ ગયા છે. 69 વર્ષની ઉંમરના આ તબીબ કહે છે કે સયાજી હોસ્પિટલના તબીબો અને સ્ટાફ મારા જેવા વડીલ દર્દીઓની પોતાના માતાપિતાની લેતા હોય એવી સારસંભાળ લે છે. મને જેવી સારવાર સયાજીમાં વિનામૂલ્યે મળી એવી સારવાર માટે અન્ય સંસ્થામાં દરરોજના રૂ.50 હજાર ખર્ચવા પડે. ડો.મહેશભાઈ રાવજીભાઈ પટેલ પોતાનું દવાખાનું ચલાવે છે. કોરોના ની જડબેસલાક પકડમાં આવી ગયેલા આ 69 વર્ષના ડોકટરની સયાજી હોસ્પિટલના કોરોના વોર્ડમાં લગભગ છેલ્લા 36 દિવસ થી સઘન સારવાર કરવામાં આવી રહી છે, અને અત્યંત ગંભીર કહી શકાય એવી હાલતમાં દાખલ થયેલા આ તબીબ હવે લગભગ કોરોના મુક્ત થઈ ગયાં છે અને જાણે કે નવું જીવન પામ્યા છે.
હું એકદમ સિવિયર, ક્રિટીકલ પોઝિશન માં ખૂબ ખરાબ હાલતમાં સયાજીમાં આવ્યો હતો એવી જાણકારી આપતાં ડો.મહેશભાઈ એ જણાવ્યું કે અહી 35/ 36 દિવસની સારવાર પછી હવે ઘણું સારું લાગે છે, મેં મારા પરિચિતોને કોરોના ની સારવાર માટે સયાજી હોસ્પિટલમાં જવાની ભલામણ કરી છે.
અહીંના તબીબો અને સ્ટાફ મારા જેવા વડીલ દર્દીની,પોતાના માતાપિતાની સારવાર કરતાં હોય એટલા જ સ્નેહ થી સારવાર કરે છે અને એમને આગ્રહ કરીને જમાડે છે. એવા શબ્દોમાં અહોભાવ વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું કે અહીંના તબીબો,નર્સિંગ સ્ટાફ અને સફાઈ સેવકો એક ટીમની જેમ રાત દિવસ કામ કરે છે, ડોકટરો તો અદભૂત કામ કરે છે. મને વિચાર આવે છે કે રાતદિવસ કામ કરતા આ લોકો ક્યારે ભોજન લે છે એ જ મને સમજાતું નથી.
તેમણે કહ્યું કે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં કોરોના ની સારવાર નું ઘણું સારું કામ થયું છે.સરકારે લોકોને નચિંત રાખ્યા છે.
ડોકટર દવા કરે છે,ભરસક પ્રયત્નો કરે છે એનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે દર્દીઓ એ સારવાર કરતાં તબીબો ને સહયોગ આપવો જોઈએ,તેઓ કહે તે પ્રમાણે સારવારની સૂચનાઓ નો અમલ કરવો જોઈએ.
અહી ભોજન,નાસ્તો બધું જ સમયસર મળે છે, ડો.બેલીમ સહિત સિનિયર ડોકટરો દર્દીઓ સાથે વાતચીત કરી તેમને ધરપત આપે છે.ડોકટરો ની પેનલ સારવાર પર નજર રાખે છે.મને લાગે છે કે જો બહાર અન્ય કોઈ તબીબી સંસ્થામાં આવી સારવાર કરાવીએ તો રોજના લગભગ 50 હજાર નો ખર્ચ થાય ત્યારે આ તમામ સારવાર સુવિધા અહી મને પૈસો ખરચ કર્યા વગર મળી છે એમ તેમણે ઉમેર્યું હતું.
ડો.મહેશભાઈ જેવા કેસોમાં દર્દીના બચવાની શક્યતા 10 જેટલી જ હોય છે એવું મંતવ્ય વ્યક્ત કરતાં સયાજી હોસ્પિટલની કોવિડ સારવાર સુવિધાના વહીવટી નોડલ અધિકારી ડો.બેલીમ ઓ.બી. એ જણાવ્યું કે તેમને હાઈએસ્ટ લેવલ ના વેન્ટિલેટર પર રાખીને સારવાર આપવામાં આવી છે.ફેફસાના એક્સરે સહિત જરૂરી તમામ પરીક્ષણો કરવાની સાથે ટોસી, રેમડેસીવિર, ઇનોક્ષિપેરીન સહિતની મોંઘામાં મોંઘી દવાઓ તેમને આપીને કોરોના માં થી ઉગારવા ના તમામ શક્ય પ્રયાસો કર્યા,જેને સફળતા મળી છે.આ જે એ લગભગ સ્વસ્થ અને સ્ટેબલ થઈ ગયાં છે.અમારી ટીમને એક દર્દીની જીવન રક્ષામાં યોગદાન આપ્યાનો ખૂબ હર્ષ છે. ડો.મહેશભાઈ તેમના દર્દીઓ ની સારી એવી ચાહના પામ્યા છે. દવાની સાથે એ દર્દીઓની દુવા પણ તેમને ફળી છે.
હાલમાં તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે એટલે તેમને ખાસ રૂમમાં રાખીને દેખરેખ હેઠળ સારવાર ચાલુ રાખવામાં આવી છે.તેમને હાલમાં શ્વાસ ને સ્થિર કરવા થોડો થોડો ઓકસીજન આપવામાં આવી રહ્યો છે જેની પણ આગામી ત્રણ ચાર દિવસ પછી જરૂર નહિ રહે એવું ડો. બેલીમ નું કહેવું છે. ડો.મહેશ પટેલ એક દાખલો છે. તેમના જેવા મોટી ઉંમરના, અન્ય સહરોગો ધરાવતા સંખ્યાબંધ દર્દીઓને સયાજી હોસ્પિટલમાં સમર્પિત અને નિશુલ્ક સારવાર આપીને કોરોના મુક્ત કરવામાં આવ્યા છે. ટીમ સયાજી એ સરકારી આરોગ્ય સેવાની વિશ્વસનીયતા વધારી છે.