



પ્લાન્ટના એમઇ સેક્શનમાં મોટરમાં સ્પાર્ક થવાના કારણે આગ ભભૂકી હોવાનું પ્રાથમિક અનુમાન
દહેજમાં આવેલી હિમાની ઇન્ડસ્ટ્રીઝ લિમીટેડ કંપનીમાં શુક્રવારે સવારના 11.15 વાગ્યાના અરસામં ઇટીપી ( એન્ફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ) પ્લાન્ટમાં ટ્રીટમેન્ટની કામગીરી ચાલી રહી હતી. તે વેળાં કોઇ કારણસર આગ લાગતાં ધડાકો થયો હતો. સોલ્વન્ટ યુક્ત એન્ફ્લુએન્ટમાં આગ લાગવાથી આકાશમાં ઉંચે સુધી ધુમાડાં થયાં હતાં. જેના પગલે આસપાસના ગામોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ઘટનામાં પ્લાન્ટમાં ફરજ બજવી રહેલાં ઓપરેટરનું ગંભીર ઇજાઓને કારણે મોત થયું હતું. બનાવ સંદર્ભે દહેજ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
દહેજ જીઆઇડીસી વિસ્તારમાં આવેલી હિમાની ઇન્ડસ્ટ્રીઝ લિમીટેડ કંપનીમાં આજે જનરલ શિફ્ટ ચાલી રહી હતી. તે વેળાં સવારના 11.15 કલાકના અરસામાં ઇટીપી પ્લાન્ટમાં ઇન્ફ્લુએન્ટની ટ્રીટમેન્ટની કામગીરી ચાલી રહી હતી. તે વેળાં અચાનક આગ ભભુકી ઉઠતાં ધડાકો થતાં કંપનીના કામદારોમાં દોડધામ મચી ગઇ હતી. એન્ફ્લુએન્ટમાં સોલ્વન્ટની માત્રા હોઇ આગ વિકરાળરૂપ ધારણ કરતાં ઉંચે સુધી જ્વાળાઓ દેખાઇ હતી.
જ્યારે ધૂમાડા પણ ઉંચે સુધી ઉડતાં આસપાસની કંપનીઓ તેમજ રહેણાંક વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાને પગલે કંપનીના ફાયર વિભાગના લાશ્કરો તુરંત દોડી આવતાં તેમણે અંદાજે 25 મિનીટમાં જ આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે, ઘટનામાં પ્લાન્ટમાં ઓપરેટર તરીકે ફરજ બજાવતાં રામકુમાર જયકિશોર ચૌધરી નામના કામદારનું મોત થયું હતું. જોકે અન્ય કોઇ કામદારને ઇજાઓ થયાની વિગતો હજી સુધી બહાર આવી નથી. બનાવને પગલે દહેજ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. બીજી તરફ ફેક્ટરી ઇન્સ્પેક્ટરની ટીમે પણ આગ કયાં કારણોસર લાગી તેની વિગતો મેળવવાની કવાયત હાથ ધરી છે.
અંક્લેશ્વરની હિમાની ઓર્ગેનિક કંપનીમાં 10 જૂને બ્લાસ્ટ થયો હતો
અંક્લેશ્વરની હિમાની ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીઝમાં ગત 10મી જૂને રિએક્ટરમાં એક્ઝો થર્મિક રિએક્શન કંન્ટ્રોલ બહાર જતાં અચાનક ટેમ્પ્રેચર વધી ગયું હતું. જેના પગલે ધડાકા સાથે આગ લાગી હતી. જેમાં 6 કામદારો દાઝ્યાં હતાં. જે પૈકીના એક કામદારનું મોત થયું હતું.
યશસ્વી રસાયણમાં થયેલાં બ્લાસ્ટમાં 10ના મોત થયાં હતાં
દહેજની યશસ્વિ કેમિકલ કંપનીમાં 3 જૂને બે વિપરીત કેમિકલની ટેન્કોમાં અલગ અલગ કેમિકલ ઠાલવતાં બ્લાસ્ટ થયો હતો.જેમાં થર્મેક્ષ કંપનીના 1 અને યશસ્વિ કંપનીના 9 કર્મીનું મોત થયું હતું. આજની ઘટનામાં આગના ધૂમડાં ઉંચે સુધી ફેલાતાં લોકોમાં ભય ફેલાયો હતો.
રિપોર્ટ તૈયાર થઇ ગયા બાદ કાર્યવાહી કરાશે
એન. બી. વાઘેલા, ફેક્ટરી ઇન્સ્પેક્ટરએન. બી. વાઘેલા, ફેક્ટરી ઇન્સ્પેક્ટર- કંપનીના ઇટીપી પ્લાન્ટમાં લાગેલી આગમાં એક કામદારનું મોત થયું છે.પ્લાન્ટનો કાટમાળ હટાવવાની તેમજ રિપોર્ટ તૈયાર કરવાની કવાયત ચાલી રહી છે. ઘટના કેવી રીતે બની તેનો આખો રિપોર્ટ તૈયાર થયાં બાદ કંપની સામે કાર્યવાહી કરાશે.
FSL રિપોર્ટ બાદ સાચું કારણ બહાર આવશે
અનિરૂદ્ધસિંહ ગોહિલ, પીઆઇ, દહેજ- સવારે 11.15 વાગ્યાના અરસામાં ઇટીપી પ્લાન્ટના એમઇ સેક્શનમાં વેસ્ટ કેમિકલની તિવ્રતા ઘટાડવા માટેની મોટરમાં સ્પાર્ક થવાને કારણે આગ ભભુકી હોય તેવું પ્રાથમિક અનુમાન છે. જોકે એફએસએલની ટીમને બોલાવવામાં આવી છે. તેમનો રિપોર્ટ આવ્યાં બાદ આગ લાગવાનું સાચુ કારણ જાણી શકાશે.