



નર્મદા કિનારાના માછીમારોને એક દિવસ બંધ પાળવા આહવાન
ભરૂચ નર્મદા નદીમાં છેલ્લા ઘણા સમયથી ડેમમાંથી પુરતા પ્રમાણમાં પાણી નહિ છોડાતા નદીના પાણી ખારા બની જતાં હિલ્સા માછલીની આવકમાં ઘટાડો થતાં માછીમારો બેકારી સામનો કરવો પડી રહ્યો છે.બીજી તરફ સરકારે ભાડભુત નજીક નર્મદા નદીમાં વિયર કમ કોઝવે બનાવવાની જાહેરાત કરી દેતાં માછીમાર સમાજમાં રોષ ફેલાયો છે. માછીમાર સમાજના લોકોમાં એવો ભય છે કે,વિયર કમ કોઝવે બનવાથી દરિયામાંથી મીઠા પાણીમાં પ્રજનન માટે આવતી હિલ્સા માછલીની સંખ્યા ઘટતાં માછીમારો બેકારીના ખપ્પરમાં હોમાશે.
સરકારે વિયર કમ કોઝવેની જમીન સંપાદનની કામગીરી ઝડપી બનાવી છે. સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજે 8મી નવેમ્બરે ભાડભુત ગામમાં માછીમાર નિર્ણય સંમેલનનું આયોજન કર્યું છે. આ દિવસે ભાલોદ, ઝનોર થી કલાદરા સુધી નર્મદા નદીના બન્ને કાંઠેના વિસ્તારોમાં માછીમારી કરવા જવા જતાં માછીમારોને એક દિવસ માછીમારી બંધ રાખી સંમેલનમાં હાજર રહેવા અપીલ કરી છે.