



દિવાળી પર્વની શરૂઆત થઈ ચુકી છે ત્યારે કોરોના મહામારી વચ્ચે આવી રહેલી દિવાળીનાં તહેવારોમાં ઉત્સવોની ઉજવણીમાં ઓટ આવે તેમ લાગી રહ્યું છે.
આજે ગુરૂ પુષ્ય નક્ષત્રના દિવસે સોનું-ચાંદી ખરીદવા માટે ઉત્તમ દિવસ માનવામાં આવે છે. પરંતુ વર્ષના અંતિમ ગુરૂ પુષ્ય નક્ષત્રના દિવસે આ વખતે કોરોનાની દહેશત અને સોના-ચાંદીના આસમાને પહોંચી ગયેલા ભાવને પગલે રૂપિયા ૧૨ થી ૧૫ કરોડનું સોનુ અને રૂપિયા બે થી ત્રણ કરોડનું ચાંદી વેચાય તેવી શક્યતાઓ છે.
વડોદરાના જાણીતા ગણદેવીકર જ્વેલર્સ ના ઋષિકેશ ગણદેવીકરે જણાવ્યું હતું કે કોરોના ના કારણે બજારમાં 50% પણ ઘરાકી નથી. જેનું મુખ્ય કારણ કોરોનાની મહામારી અને સોના-ચાંદીના આસમાને પહોંચેલા ભાવ છે. આ વખતે સોનાના ભાવ એક તોલાના સોનાના ભાવ રૂ 55000 છે જ્યારે ચાંદી ના ભાવ પ્રતિ કિલોના રૂપિયા 67,000 છે જે ગત વર્ષની સરખામણીમાં બમણા છે.
પરંતુ આ વખતે કોરોનાની દહેશતના કારણે ગ્રાહકો ઘરની બહાર નીકળ્યા નથી. બીજું કારણ સોના ચાંદીના ભાવ વધુ હોવાથી પણ ઘરાકી પર તેની અસર જોવા મળે છે. આજે બપોર સુધીમાં સોનુ અંદાજે ૩ કરોડનું વેચાણ થયું છે અને ચાંદીનુ ૧ કરોડનુ વેચાણ થયું છે. સાંજે ઘરાકી નીકળે તેવી શક્યતાઓ છે. તેમ છતાં સોનુ 15 કરોડ અને ચાંદી બેથી ત્રણ કરોડની વેચાણ થાય તેવી સ્થિતિ છે.