



ધારાસભ્ય શ્રી જીતુભાઈ સુખડીયા કોવિડ પોઝિટિવ જણાતા ગોત્રી હોસ્પિટલમાં દાખલ થયા : તેમના પુત્ર પણ કોવિડ સસ્પેક્ટ જણાતા સારવાર હેઠળ.
પૂર્વ મંત્રી અને વરિષ્ઠ ધારાસભ્ય શ્રી જીતેન્દ્ર સુખડીયા કોવિડ પોઝિટિવ જણાતા સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં દાખલ થયાં છે. તેમને આઈસીયુમાં રાખી ઓકસીજન સારવાર આપવામાં આવી રહી છે. તેમના ફેફસામાં કોરોના વાયરસ નો પ્રભાવ જણાયો છે તેવી જાણકારી આપતાં આ સરકારી દવાખાનાના કોવિડ વિભાગના વહીવટી નોડલ અધિકારી ડો.શીતલ મિસ્ત્રીએ જણાવ્યું કે હાલમાં જીતુભાઈ ની હાલત સ્ટેબલ છે અને તેમના પુત્ર હિરેન સુખડીયા સિટી સ્કેન માં શંકાસ્પદ જણાતાં તેમને પણ દાખલ કરીને નિરીક્ષણ સારવાર હેઠળ રાખવામાં આવ્યાં છે.
જીતુભાઈ એ ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવ અને ડો.શીતલ મિસ્ત્રી સાથે દાખલ થતાં પૂર્વે પરામર્શ કર્યો હતો. ડો.મિસ્ત્રીએ જણાવ્યું કે તેમને ગોત્રી દવાખાનામાં ખાનગી હોસ્પિટલો ને સમકક્ષ સારવાર મળવાની અને ઉચિત કાળજી લેવાની સલાહ આપવામાં આવી હતી. તેઓ ડાયાબિટીસ અને લીવર ની સહ માંદગી ધરાવે છે. તે ધ્યાનમાં રાખીને હાલમાં નિર્ધારિત પ્રોટોકોલ અનુસરીને યોગ્ય સારવાર આપવામાં આવી રહી છે.