



પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતીઓને દિવાળી ભેટ આપી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને જોડતી રો-પેક્સ ફેરી સર્વિસનો પ્રારંભ કરાવીને વિવિધ રોજગાર સાથે સંકળાયેલા ઉદ્યોગકારો તેમજ ખેતીલક્ષી ઉત્પાદન કરતા ખેડૂતો માટે નવો માર્ગ ખોલીને આપ્યો છે. આ રો-પેક્સ ફેરી શરૂ થતાં લોકોનું જીવન ધોરણ બદલાઈ જશે.
સુરતના હજીરાથી ભાવનગરના ધોધા વચ્ચે રો-પોકસ ટર્મીનલનું વરચ્યુલી ઉદધાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરીને આ જળમાર્ગને ખુલ્લુ મુક્યું છે. આ પ્રસંગે જનસમુહદાયને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું. આ ફેરીથી ગુડસ વાહનો ચાર કલાકમાં હજીરાથી ધોધા પહોચી જશે.
આ આવા-ગમન થી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર નજીક આવશે. ધંધા રોજગારનો વિકાસ થશે. તેમણે કહ્યું કે આ ફેરી શરૂ થવાથી રોજગાર વધશે અને લોકોની જીવનશૈલી બદલાશે. આ રો-પોકસ ફેરી શરૂ થવાથી ખંભાતના અખાતના બન્ને કિનારાના લોકોમાં ખુશીની લહેર વ્યાપી છે. આ યોજનાના પ્રારંભથી લોકોનુ વર્ષોનું સ્વપ્ન સાકાર થયું છે. આ સેવાથી ઓછામાં ઓછા સાત કલાકની બચત થશે.
વર્ષમાં 80 હજાર ગાડી, 30 હજાર ટ્રક આ સેવાનો લાભ લઇ શકશે. જેથી સૌરાષ્ટ્રના ખેડુતો અને પશુપાલનોને તેમનું ઉત્પાદન ખૂબજ ઝડપથી અને સુરક્ષીત રીતે પહોચી શકશે. જેથી ચીજ વસ્તુઓ તાજી અને વ્યાજબી ભાવે મળી શકશે. આ પ્રોજેકટ સાથે હું વર્ષોથી જોડાયો છું, આ પ્રોજેકટને સાકાર કરવામાં અનેક મુશ્કેલીઓ આવી હતી. પણ હાલમાં આ સ્વપ્ન આજે સાકાર થયું છે.
કેન્દ્રીય રાજ્યકક્ષાના શિપિંગ મંત્રી મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું હતું કે આ ફેરી સર્વિસ શરૂ થતાં ખંભાતના અખાતથી બંને કિનારે રહેતા લોકોમાં ખુશીની લહેર છે.. સદીઓ પહેલા જળમાર્ગનું ખૂબજ મહત્વ હતું. દાયકાઓ બાદ ફરી આપણે આ જળમાર્ગનું મહત્વ સમજી લોકોના હિતાર્થે અને ઉદ્યોગ ધંધાના વિકાસ માટે શરૂ કર્યુ છે. તેઓએ કહ્યું કે મોદીજીનું સ્વપ્ન આજે સાકાર થયું છે. ગુજરાતમાં જળપરિવહનમાં અભૂતપૂર્વ પરિવર્તન શરૂ થઈ ગયું છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે ગુજરાતના સર્વાંગી વિકાસમાં પ્રધાનમંત્રીનું માર્ગદર્શન, હુંફ મળતા ગુજરાતમાં નવા-નવા પ્રોજેક્ટ આવી રહ્યાં છે જેના પગલે ગુજરાત રોલ મોડલ બની રહ્યું છે. તાજેતરમાં જ કેવડિયાથી સાબરમતી સુધી દેશનું પ્રથમ સી-પ્લેન શરૂ થયું છે. તેના થોડા દિવસમાં જ આ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો જળમાર્ગ રો-પેક્સ ફેરી સર્વિસ સ્વરૂપે શરૂ થતાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર નજીક આવ્યું છે. આ જળમાર્ગ શરૂ થતાં સમય, ઈંધણ બચાવ થશે સાથે જ પર્યાવરણ પણ જળવાશે… રોડ માર્ગે ટ્રાફિકનું ભારણ ઘટવાથી અકસ્માત પણ ઘટશે… આ રો-પેક્સ ફેરીથી ઉદ્યોગ અને રોજગારને બળ મળશે.. જેથી આ તકે હું ભારત સરકાર અને પ્રધાનમંત્રીનો ખૂબ-ખૂબ આભાર માનું છું.
તો બીજી તરફ પ્રધાનમંત્રીએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં 2014 પહેલા પણ દરિયાકાઠો અને નદીઓ હતી, પરંતુ તેનો યોગ્ય ઉપયોગ થઈ શકતો ન હતો, પરંતુ જ્યારે 2014 બાદ સરકાર બદલાતા આજે સમગ્ર ગુજરાતમાં આર્થિક, પ્રવાસન અને સામાજિક વિકાસના અભિગમોમાં ખુબ મોટો બદલાવ આવ્યો છે અને તેનું કારણ માત્ર સરકાર દ્વારા પ્રજાહિતમાં કરવામાં આવેલા કાર્યો છે. આમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતને દિવાળીની વધુ એક મોટી ભેટ આપી છે.
પહેલાં સુરત પહોંચતા 12 કલાક થતા હતા, હવે 4 કલાકમાં જવાશે
હજીરા-ઘોઘા વચ્ચે રો-પેક્સ ફેરી સર્વિસ શરૂ કરાઈ છે. આ સર્વિસમાં મુસાફરોની સાથે મોટરસાઈકલ, કાર, બસ અને ટ્રકને પણ એકથી બીજા સ્થળે લઈ જવાય છે. હજીરા-ઘોઘા રો-પેક્સ ફેરી સર્વિસ શરૂ થતાં આ બંને સ્થળનું અંતર 370 કિ.મી.થી ઘટીને 60 કિ.મી. થઈ જશે. અગાઉ આ મુસાફરીમાં 12 કલાકનો સમય થતો, જ્યારે હવે ફક્ત 4 કલાક થશે. સવારે ફેરીમાં બેસીને ભાવનગરથી સુરત જવા નીકળનાર સાંજ સુધીમાં પાછા ફરી શકશે. જોકે તેમણે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે, બપોરે હજીરા પહોંચતી ફેરી અથવા હજીરાથી ઘોઘા પહોંચતી ફેરી માત્ર એક કલાકમાં જ પાછી ફરશે. જ્યારે સાંજે ફેરી જે બંદરે પહોંચશે ત્યાં નાઈટ હોલ્ટ કરી બીજા દિવસે સવારે પાછી રવાના થશે.
ટિકિટના ભાવ
મુસાફર (જનરલ, એક્ઝિક્યુટિવ,લૉન્જ ક્લાસ) | રૂ. 525થી 1500 |
મોટરસાઈકલ | રૂ. 350 |
કાર | રૂ. 1200થી 1350 |
ટેમ્પો | રૂ. 4000 |
બસ | રૂ. 5000 |
ટ્રક | રૂ. 7500થી 15000 |
નિયમો અને શરતો: નિયમો નહીં પાળનારને દંડ પણ થશે
- બુકિંગ : ફેરી ઉપડવાના સમય કરતા બુકિંગ એક કલાક પહેલાં બંધ થઈ જશે.
- બોર્ડિંગ-ચેક ઈન : ફેરી ઉપડવાના સમયથી 30 મિનિટ વહેલું થઈ જશે. કોઈ પણ ટિકિટ ઓટોમેટિક રદ નહીં ગણાય અને રિફંડ નહીં મળે.
- હાફ ટિકિટ : બેથી 12 વર્ષના બાળકો માટે અડધી ટિકિટ લેવાની રહેશે.
- આઇડી પ્રૂફ : તમામ મુસાફરોએ ફોટો આઈડી સાથે રાખવું પડશે. ફેરી કે ટર્મિનલ પ્રિમાઈસીસમાં ધુમ્રપાન, તમાકુનું સેવન ગેરકાયદે ગણાશે અને તેનો ભંગ કરનારા પાસેથી રૂ. 2500 દંડ વસૂલાશે.
- સેફ્ટી : તમામ મુસાફરોએ આખા પ્રવાસમાં ટિકિટ કાઉન્ટર પરથી અપાયેલો રિસ્ટ બેન્ડ પહેરવો પડશે. એવું ન કરવા બદલ રૂ. 500 દંડ કરાશે.
ક્ષમતા: 500 મુસાફરો, 800થી વધુ વાહનો લઈ જશે
- 500 મુસાફરો
- 500 કાર
- 300 મોટરસાઈકલ
- 30 ટ્રક
- 7 નાના ટ્રક
- રો પેક્સ ફેરીમાં મુસાફરો અને કારની સાથે ભારે વાહનો પણ જઈ શકશે.
ટિકિટ કેન્સલ કરવા બદલ રિફંડ માટે પણ નિયમો છે
- મુસાફરીના 30 દિવસ પહેલા 90% રિફંડ
- બેથી 30 દિવસની અંદર 80% રિફંડ
- એક દિવસ પહેલાં રિફંડ નહીં મળે
- રિફંડ પ્રોસેસ થતાં ત્રણ વર્કિંગ ડે થશે.
- ફેરી સર્વિસ કેન્સલ થશે, તો મુસાફરોને ઓપરેટર દ્વારા રિફંડ મળી જશે.
- મોડા પહોંચનારને કોઈ રિફંડ મળશે નહીં.

સર્વિસના ફાયદા: રોજનું 9 હજારએટલે કે વર્ષે 33 લાખ લિટર ફ્યૂલ બચશે
- રોડ અને રેલવે ટ્રાફિકમાં ઘટાડો
- રસ્તા પર ટ્રાફિક જામ અને અકસ્માતોમાં ઘટાડો
- રોજનું 9 હજાર લિટર એટલે કે વર્ષે 33 લાખ લિટર ફ્યૂલ બચશે, પ્રદૂષણમાં ઘટાડો થશે.
- દર વર્ષે 14 હજાર મેટ્રિક ટન ક્રૂડ ઓછું આયાત થશે.
- દર વર્ષે કાર્બન ઉત્સર્જનમાં 24 મેટ્રિક ટનનો ઘટાડો
- સમયની બચત અને દરિયાઈ મુસાફરીનો આનંદ.
ગુજરાતમાં સમુદ્ર વેપાર સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કેપેસિટી બિલ્ડિંગ પર ઝડપથી કામ ચાલે છે: PM
ગુજરાતમાં રો પેક્સ ફેરી સેવા જેવી સુવિધાનો વિકાસ કરવામાં ઘણા લોકોએ મહેનત કરી છે. અનેક મુશ્કેલી પણ રસ્તામાં આવી હતી. એ તમામ સાથીઓનો હું આભાર માનું છું. તમામ એન્જિનીયર, તમામ શ્રમિકોનો હિંમતથી મુશ્કેલીનો સામનો કરવા માટે આભારી છું. ગુજરાતમાં સમુદ્ર વેપાર સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કેપેસિટી બિલ્ડિંગ પર ઝડપથી કામ ચાલે છે. ઉદાહરણ તરીકે ગુજરાત મેરીટાઈમ ક્લસ્ટર, ગુજરાત સમુદ્ર વિશ્વ વિદ્યાલય, ભાવનગરમાં સીએનજી ટર્મિનલ જેવી અનેક સુવિધા ગુજરાતમાં તૈયાર થઈ રહી છે. સરકાર ઘોઘા દહેજ ફેરી સર્વિસ પણ ફરીથી ઝડપથી શરૂ કરવા માંગે છે. આ પ્રોજેક્ટ સામે પ્રકૃતિ સંબંધિત પડકાર આવ્યો હોવાથી તેને આધુનિક ટેકનોલોજી દ્વારા તેને દૂર કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. શીપિંગ મંત્રાલયનું નામ બદલીને મિનિસ્ટ્રી ઓફ પોર્ટ્સ, શીપિંગ અને વોટર વે કરવામાં આવ્યું છે.