



ઢાલગરવાડ, ત્રણ દરવાજા, રિલિફરોડ પર ભીડ ઉમટી ઘરાકી નીકળતાં વેપારીઓને દિવાળી સુધરશે તેવી આશા
અમદાવાદ, તા. 8 નવેમ્બર, 2020, રવિવાર
દિવાળીના આડે એકાદ સપ્તાહ બાકી છે ત્યારે બજારોમાં ચહલપહલ વધી છે. કોરોનાના ડર વચ્ચે લોકોેએ દિવાળીની ઉજવણી કરવા તૈયારીઓ કરી છે.અનલોક પછી પણ સૂના જણાતાં બજારોમાં જાણે હવે રોનક જોવા મળી રહી છે.
દિવાળી પહેલાના આખરી રવિવારે લોકોએ વસ્ત્રોથી માંડીને અન્ય જરૂરી ચીજવસ્તુઓની ખરીદી કરી હતી જેના કારણે બજારોમાં ભારે ભીડ જામી હતી. બજારોમાં ગ્રાહકોની ભીડને પગલે વેપારીઓને દિવાળી સુધરશે તેવી આશા જાગી છે.
કોરોનાની મહામારીને કારણે લોકડાઉન પછી આિર્થક મંદીનો માહોલ છવાયો છે . નાના વેપારીઓથી માંડીને મોટા ઉદ્યોગગૃહોને મંદી નડી છે ત્યારે અનલોક પછી આૃર્થતંત્રની ગાડી ધીરે ધીરે પાટા પર ચડી રહી છે અને બધુ રાબેતા મુજબ થઇ રહ્યુ છે જેના કારણે હવે બજારોમાં લોકો ખરીદી કરતાં થયાં છે.
દિવાળીના તહેવારો નજીકમાં છે ત્યારે આજે રવિવારે અમદાવાદ શહેરના ઢાલગરવાડ , ત્રણ દરવાજા , રિલિફ રોડ સહિતના બજારોમાં લોકો ખરીદી કરવા ઉમટયા હતાં જેના કારણે બજારમાં ખરીદીનો માહોલ જામ્યો હતો. લોકોએ રેડીમેડ વસ્ત્રો , સુકા મેવા , ઘર સુશોભન સહિતની ચીજવસ્તુઓની ખરીદી કરી હતી. સરકારી કર્મચારીઓને પગાર-બોનસ મળતાં જ બજારોમાં ખરીદીનો ધમધમાટ જોવા મળ્યો હતો.
કોરોનાના સંક્રમણના ડર વચ્ચે લોકોેએ ખરીદી કરી હતી. ત્રણ દરવાજા પાસે વેપારીઓ દ્વારા લાઉડ સ્પીકરમાં માસ્ક પહેરવું અને સોશિયલ ડિસટન્સ જાળવવુ તેવી ગ્રાહકોની ખાસ અપીલ કરવામાં આવતી હતી.જોકે, આમ છતાંય સોશિયલ ડિસટન્સના નિયમોને જળવાયા ન હતાં. જોકે, તબીબોનું માનવું છેકે, આવી બેદરકારી અમદાવાદીઓને મોંઘી પડી શકે છે.
ઘણાં લાંબા સમય બાદ બજારોમાં ગ્રાહકોની ભીડ જોઇ વેપારીઓ ખુશહાલ થયા હતાં. દિવાળીના આખરી દિવસોમાં ઘરાકી હજુ વધશે તેવી વેપારીઓ આશા રાખી રહ્યાં છે.સામાન્ય વર્ગના પરિવારોએ પોતોના બજેટ મુજબની ખરીદી કરી દિવાળી ઉજવવા તૈયારીઓ કરી છે. આ તરફ, સી.જી રોડ,એસજી હાઇવે પર મોલ-શો રૂમમાં ય ગ્રાહકોની ભીડ જોવા મળી હતી. આમ, દિવાળી ઉજવવા લોકોએ તૈયારીઓ કરી છે.