



નવા ચહેરા- ટેકનોસેવી યુવાઓને સંગઠનમાં તક, સિનિયર નેતાઓને ય સ્થાન, ચૂંટણીમાં કામ કરનારાને શિરપાવ
વિધાનસભાની આઠ બેઠકોના ચૂંટણી પરિણામને આડે હવે એક જ દિવસ બાકી રહ્યો છે. પેટાચૂંટણીના પરિણામો બાદ ભાજપનું પ્રદેશ માળખુ જાહેર થાય તેવી શક્યતા જોવાઇ રહી છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે દિલ્હી જઇ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા સાથે મુલાકાત કરી સંગઠનને લઇને ચર્ચા કરી હતી . એવી ચર્ચા છેકે, હાઇકમાન્ડે સંગઠનની રચનાને લઇને લીલીઝઁડી આપી દીધી છે.
ગુજરાત ભાજપના સંગઠનને નવો ઓપ આપવા કવાયત શરૂ કરી દેવામાં આવી છે. પેટાચૂંટણી પૂર્ણ થયા બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે તેમની નવી ટીમ રચવા તૈયારીઓ કરી છે. પાટીલે દિલ્હી જઇને રાષ્ટ્રિય નેતાઓ સાથે બેઠક કરી સંગઠનલક્ષી ચર્ચા કરી હતી. છેલ્લાં કેટલાંય વખતથી ગુજરાત ભાજપનુ જુના સંગઠનથી કામ ચલાવાઇ રહ્યુ છે અને ગણતરીના નેતાઓ જ સંગઠન ચલાવી રહ્યાં છે. આ જોતાં હવે પાટીલે નવી ટીમ રચવા તૈયારીઓ કરી છે.
સૂત્રોના મતે, પાટીલની નવી ટીમમાં નવા ચહેરાઓ સમાવાશે. એટલું જ નહીં, સોશિયલ મિડીયામાં એક્ટિવ હોય તેવા ટેકનોસેવી યુવાઓને સંગઠનમાં તક આપવામાં આવશે. આ ઉપરાંત અનુભવનો રાજકીય લાભ મળે તે હેતુથી સિનિયર નેતાઓને ય પ્રદેશ માળખામાં સૃથાન આપવામાં આવનાર છે. સાથે સાથે પેટાચૂંટણીમાં પક્ષ માટે પરસેવો પાડનારાં કાર્યકરોને શિરપાવ અપાશે.
આગામી વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રાજકીય-સામાજીક સમીકરણો આધારે પ્રદેશ માળખામાં સૃથાન આપવા આવશે. વિધાનસભાની ચૂંટણીઓની અત્યારથી જ તૈયારીઓ કરી શકાય તે માટે સંગઠનને દોડતુ કરવા પાટીલે રાજકીય ગણતરી રાખી છે. આમ, પેટાચૂંટણીઓના પરિણામ જાહેર થયા બાદ દિવાળીના તહેવારો દરમિયાન જ પ્રદેશ માળખાની જાહેરાત થાય તેવો અદાજ સેવાઇ રહ્યો છે.