



નિર્ણય સંમેલન પૂર્વે જ 30 આગેવાન ડિટેઇન, જલદ આંદોલનની ચીમકી
નર્મદા ડેમમાંથી પૂરતા પ્રમાણમાં પાણી નહીં છોડવામાં આવતા દરિયાના પાણી નર્મદા નદીમાં છેક ઝનોર સુધી પહોંચતા આસપાસના ખેતીલાયક વિસ્તારોમાં ભારે નુકસાન થઈ રહ્યું હતું. જેના કારણે સરકાર દ્વારા સંકોચાતી નર્મદા નદી અને ખારાશની સમસ્યાના નિવારણ માટે રૂપિયા 4 હજાર 500 કરોડના ખર્ચે ભાડભૂત પાસે વિયર કમ કોઝવે બનાવા ખાતમુહર્ત કર્યું હતું.પરંતુ માછીમારોએ વિરોધ નોંધાવી આક્ષેપ કર્યાં છે કે, વિયર કમ કોઝવે બની જવાના કારણે દરિયામાંથી નદીના મીઠાં પાણીમાં પ્રજનન માટે આવતી હિલ્સા માછલી બંધ થતાં માછીમારોની રોજગારી ઉપર ભારે અસર પડનાર છે. જેના વિરોધમાં આગામી રણનિતિ ઘડી કાઢવા માટે 8 મી નવેમ્બરના રવિવારના રોજ ભાડભુત ગામ ખાતે સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજ દ્વારા નિર્ણય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
સંમેલનમાં માછીમારોએ સમાજના લોકોને પોતાના કામધંધા બંધ કરીને એકત્રિત થવા આહવાન કર્યું હતું. જેના પગલે પોલીસ વિભાગ પણ એક્શનમાં આવીને ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.માછીમાર સમાજના લોકોએ સંમેલન પહેલા નર્મદા મૈયાની આરતી ઉતારીને સંમેલન શરૂઆત કરવા ગયા હતા.પરંતુ સંમેલનની શરૂઆત થાય તે પહેલા જ પોલીસ અધિકારીઓએ સ્થળ ઉપર પહોંચી સમાજના આગેવાનોની અટકાયત કરતા સમાજના લોક ટોળા એકઠા થઈ ગયા હતા.જોકે પોલીસે સમય સુચકતા વાપરીને લોકોને વિખેરી નાખ્યા હતા. જોકે પોલીસે મહિલા આગેવાનોની અટકાયત કરતા માછીમારોએ વિરોધ નોંધાવી આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનને કરવા ચીમકી ઉચ્ચારી હતી.
હવે માછીમારો રોજીરોટી માટે અહિંસક આંદોલન ચલાવશે
ગુજરાત સરકાર માછીમારોની માંગણીઓ અને લાગણીઓને નહિ સમજે અને માછીમારો માટે વૈકલ્પિક રોજગાર યોજના બનાવી તેને લાગુ નહિ પાડે તો આવનાર દિવસોમાં માછીમારો પોતાની રોજીરોટી તેમજ આવનાર પેઢીની રોજીરોટી માટે મોટું અહિંસક અને આંદોલન ઉપાડી લેશે તેની સંપૂર્ણ જવાબદારી ગુજરાત સરકારની રહશે.સાથોસાથ હાલમાં નદીમાં ચાલી રહેલા સર્વેના કામને અટકાવી દેવાની ફરજ પડશે. માછીમારો પોતાના હક અને રોજી માટે એક સ્થળે ભેગા કરવામાં પણ સરકારને વાંધો છે અને પોલીસ વિભાગને આગળ કરી માછીમારોને ડિટેન કરવાની ગંભીર ઘટના માછીમાર સમાજ વખોડી કાઢે છે.> કમલેશ મઢીવાલા, પ્રમુખ,સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજ
ભાડભૂત ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
ભરૂચ તાલુકા ભાડભુત ખાતે 8 નવેમ્બરના રોજ આપેલા નિર્ણય સંમેલનની જાહેરાત કરી હતી.જેમાં ઝનોરથી કલાદરા સુધીના માછીમારો એક દિવસ પોતાના કામ ધંધા બંધ રાખીને હાજર રહેવા આહવાન કરાયું હતું.પરતું માછીમારો સંમેલનમાં હાજર ના રહે તે માટે ભાડભૂત ગામમાં પ્રવેશ દ્વાર થી લઈને નર્મદા નદીના કાંઠા વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.