



સંજય પાગે – કરજણ બેઠક ની પેટા ચૂંટણી ની આવતીકાલ મંગળવારે મત ગણતરી શાંતિપૂર્ણ વાતાવરણમાં અને જરૂરી તમામ કોવિડ તકેદારીઓ સાથે કરાવવા ચૂંટણી અને પોલીસ તંત્ર સુસજ્જ છે.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલ, ચૂંટણી પંચના નિરીક્ષક શ્રી જટાશંકર ચૌધરી, નાયબ પોલીસ કમિશનર શ્રી દીપક મેઘાણી અને જિલ્લા પોલીસ વડા શ્રી સુધીર દેસાઈ સાથે મત ગણતરી માટેના ત્રણેય ખંડમાં સીસીટીવી સહિત સોશીયલ ડિસ્ટન્સ જાળવવાની સાથે સચોટ મત ગણતરીની વ્યવસ્થાનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી આર.પી.જોષી અને કરજણ બેઠકના ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી કરજણ શ્રી કે.આર.પટેલ દ્વારા સંકલિત રીતે મત ગણતરીની વ્યવસ્થાઓ કોવિડ તકેદારીઓ ને વણી લઈને કરવામાં આવી છે.
જ્યાં મત ગણના થવાની છે એવા પોલીટેકનિક કોલેજના અંદરના વિસ્તારોમાં સતત સેનેટાઈઝેેેસન કરવામાં આવી રહ્યું છે.
મત ગણતરી કેન્દ્ર ખાતે ફરજ પરના સ્ટાફ અને ઉમેદવારો,તેમના એજન્ટ સહિત તમામ માસ્ક પહેરવો અનિવાર્ય છે. એવી જાણકારી આપતાં જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી શાલિની અગ્રવાલે જણાવ્યું કે ઇવીએમ ની મત ગણતરી માટે 2 અને પોસ્ટલ મતોની ગણતરી માટે 1 મળીને કુલ ત્રણ ખંડમાં વ્યવસ્થા કરવામાં આવી છે.
સોશીયલ ડિસ્ટન્સ જળવાય એ માટે એક ખંડમાં 7 અને બીજા ખંડમાં 4 તેમજ ટપાલ મત વાળા ખંડમાં 2 ટેબલ રાખવામાં આવ્યા છે.સીસીટીવી અને વિડિયોગ્રાફી ની નજર તળે ગણતરી કરવામાં આવશે. સેનીતાઇઝેસન તેમજ માસ્ક,ફેસ શિલ્ડ અને ગ્લોવ્ઝ પહેરીને ગણતરી કરનારાઓ મત ગણના કરશે. આરોગ્ય તંત્ર દ્વારા મત ગણતરી સ્થળ ના પહેલા પ્રવેશ દ્વારે બે ટીમો રાખવામાં આવશે જે થર્મલ ગન થી શરીરના તાપમાન ની અને પલ્સ ઓકિસમિટર થી ઓકસીજન લેવલ ની ચકાસણી કરશે.દરેકે માસ્ક પહેરીને જ આવવાનું છે.અને અંદર પણ પહેરી રાખવાનો છે.મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક ગેજેટ સાથે લાવવાની મનાઈ છે.
આર.ઓ.દરેક રાઉન્ડ માં મળેલા મતો ચૂંટણી પંચની વેબસાઈટ પર અપલોડ કરવાની સાથે તેનું જાહેર પ્રસારણ કરાવશે. ઇવીએમ લઈને આવનાર સ્ટાફ,મત ગણતરી સ્ટાફ અને ઉમેદવાર તેમજ એજન્ટ માટે બેરિકેડિંગ દ્વારા મત ગણતરી ખંડ માં પ્રવેશ ની અલાયદી વ્યવસ્થા રાખવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી એ પ્રથમ અને દ્વિતીય પ્રવેશ દ્વારે મેટલ ડિટેક્ટર્સ દ્વારા ફ્રિસ્કિંગ ,મોબાઈલ જમા લેવાની વ્યવસ્થા સહિત વિવિધ બાબતોની ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.