



આધ્યાત્મિક નેતા નામદેવદાસ ત્યાગી ઉર્ફે કોમ્પ્યુટર બાબાએ 40,000 ચો ફૂટ જમીન પર ગેરકાયદે કબજો કર્યો હતો
ગેરકાયદે દબાણ દૂર કરવાની કાર્યવાહી દરમિયાન આશ્રમમાંથી રાયફલ અને એર પિસ્તોલ મળી આવતા બાબાની ધરપકડ
(પીટીઆઇ) ઇન્દોર, તા. 9 નવેમ્બર, 2020, સોમવાર
મધ્ય પ્રદેશમાં ઇન્દોરના સત્તાવાળાઓએ દાવો કર્યો છે કે તેમણે 13 કરોડ રૂપિયાની 40,000 ચો. ફૂટ જમીન આધ્યાત્મિક નેતા નામદેવદાસ ત્યાગી ઉર્ફે કોમ્પ્યુટર બાબા તરફથી મુક્ત કરાવી છે. સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે કોમ્યુટર બાબાએ ગેરકાયદેસર રીતે આ જમીન પર કબજો કરી લીધો હતો.
ઉલ્લેખનીય છે કે અગાઉની મધ્ય પ્રદેશની કોંગ્રેસ સરકારમાં ત્યાગીને પ્રધાન તરીકેનો દરજજો આપવામાં આવ્યો હતા કારણકે તેમને રિવર કન્ઝર્વેશન ટ્રસ્ટના ચરેમેન બનાવવામાં આવ્યા હતાં. તેમના પર જમીન પર ગેરકાયદે કબજો કરી ગેરકાયદે બાંધકામ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કાર્યવાહી દરમિયાન તેમના આશ્રમમાંથી એક રાયફલ અને એક એર પિસ્તોલ મળી આવતા કોમ્યુપ્ટર બાબાની ધરપકડ કરવામાં આવી છે. સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ(એસડીએમ) રાજેશ રાઠોડે સોમવારે જણાવ્યું હતું કે 20,000 ચો. ફૂટમાં કરાયેલ ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે મુક્ત કરાવવામાં આવેલી આ જમીનનું મૂલ્ય પાંચ કરોડ રૂપિયા આંકવામાં આવ્યું છે.
આ ઉપરાંત અંબિકાપુરી એક્સટેન્શન પાસે આવેલા શ્રી દક્ષિણ કાલીપીઠ ત્રિમહાવિદ્યા મંદિરના પરિસરમાં પણ કોમ્યુપ્ટર બાબાએ જમીન પર કબજે કર્યો હતો. આ જમીન પણ મુક્ત કરવામાં આવી છે. આ જમીનનું મૂલ્ય આઠ કરોડ રૂપિયા આંકવામાં આવ્યું છે. એસડીએમએ વધુમાં જણાવ્યું છે કે બાબાએ મંદિરના પરિસરમાં જમીન કબજે કરી લીધી હતી અને તેમાં પાંચ રૂમ બનાવી લીધા હતાં.
હવે આ જમીન મુક્ત કરાવી લેવામાં આવી છે. જો કે આ રૂમ તોડી પાડવામાં આવ્યા નથી આ રૂમોને અંબિકાપુરી એક્સટેન્શન કોલોનીના રેસિડન્ટ એસોસિએશનને મેઇન્ટેનન્સ માટે સોંપી દેવામાં આવ્યા છે. એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ(એડીએમ) અજયદેવ શર્માના જણાવ્યા અનુસાર અજનોદ ગામમાં પણ 3.125 હેકચર ખેતીની જમીન પણ જપ્ત કરવામાં આવી છે.