



અર્હમ તલસાણિયાએ પાયથન પ્રોગ્રામિંગ લેંગ્વેજ પરીક્ષા પાસ કરી
UKના 7 વર્ષીય બાળકનો યંગેસ્ટ પ્રોગ્રામરનો રેકોર્ડ તોડયો
અમદાવાદ,
અમદાવાદના 7 વર્ષથી પણ ઓછી વયના અર્હમ ઓમ તલસાણિયા વિશ્વનો સૌથી નાની વયનો કમ્પ્યુટર પ્રોગ્રામર બન્યો છે.શહેરની ઉદગમ સ્કૂલમાં હાલ બીજા ધોરણમાં અભ્યાસ કરતા અર્હમે સાત વર્ષ કરતા ઓછી ઉંમરમાં પાયથન લેંગ્વેજ પ્રોગ્રામિંગની પરીક્ષા પાસ કરીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યુ છે અને બ્રિટનના અને મૂળ પાકિસ્તાનના સાત વર્ષીય બાળકનો યંગેસ્ટ પ્રોગ્રામરનો રેકોર્ડ તોડયો છે.
અર્હમના માતા અને પિતા બંને એન્જિનિયર છે. પિતા ઓમ તલસાણિયા સોફ્ટવેર એન્જિનિયર છે અને જેણે જ અર્હમને પ્રોગ્રામિંગ શિખવાડયુ છે. તેઓએ જણાવ્યુ કે મારી પાસે માઈક્રોસોફ્ટ કંપનીના 12 સર્ટિફિકેટ છે અને હું પોતે કોડિંગ લેંગ્વેજ સારી રીતે જાણતો હોવાથી મને કામ કરતા કરતા જોઈને અર્હમને પણ કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ રસ પડવા લાગ્યો અને તેને ગેમ્સ રમતા રમતા જાણવાની ઈચ્છા થઈ કે કઈ રીતે ગેમ્સ બને છે ત્યારે મેં તેને તેનું પ્રોગ્રામિંગ શીખવાડયુ અને ધીરે ધીરે તે ઘણુ સમજતો થયો.
નાની ઉંમરે તે જે શીખતો હતો અને સમજતો હતો તે જોઈને મને થયુ કે તે પ્રોગ્રામિંગમાં ઘણો આગળ વધશે. જેથી મેં માઈક્રોસોફ્ટની પાયથોન લેંગ્વેજની પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કર્યુ અને લેંગ્વેજ પણ શીખવાડી.અર્હમે ક્યાંય પણ કોચિંગ ક્લાસ કે ઈન્સ્ટિટયુટમાં પ્રોફેશનલ કમ્પ્યુટર કોચિંગ પણ લીધુ નથી. ઉદગમ સ્કૂલમાં હાલ ધો.2માં ભણતા અર્હમ જ્યારે ધો.1માં હતો ત્યારે ગત 23મી જાન્યુઆરીએ પરીક્ષા આપી અને જેમાં અર્હમે 1000 માર્કસમાંથી 900 માર્કસ મેળવ્યા.
ત્યારબાદ 23મી જાન્યુઆરીએ જ ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડ માટે અપ્લાય કર્યુ અને સાત વર્ષનો થાય તેના એક દિવસ પહેલા જ તેણે આ રેકોર્ડનું સ્ટેટસ પણ મેળવી લીધુ હતુ.આમ 6 વર્ષ અને 365 દિવસ સાથે તે ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવી વિશ્વનો સૌથી નાની વયનો કમ્પ્યુટર પ્રોગ્રામર બન્યો છે.
ગિનિસ વર્લ્ડ રેકોર્ડસ દ્વારા તમામ પ્રકારના વેરિફિકેશન બાદ તાજેતરમાં સર્ટિફિકેટ આપવામા આવ્યુ છે. મહત્વનું છે કે 2016માં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં બ્રિટનમાં રહેતા અને મૂળ પાકિસ્તાના 7 વર્ષીય બાળકે માઈક્રોસોફ્ટ ઓફિસ પ્રોફેશનલની પરીક્ષા પાસ કરીને યંગેસ્ટ પ્રોગ્રામરનો રેકોર્ડ બનાવ્યો હતો જે હવે અમદાવાદના અર્હમે તોડયો છે.