



નકલી મહિલા પોલીસે દમ મારીને કહ્યું ૩૦ હજાર નહી આપે તો પોલીસ સ્ટેશન લઇ જઇ મારીશું
આજદિન સુધી નકલી પોલીસ બનીને પુરુષો તોડ કરતા હતા, પરંતુ ખાડિયામાં વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે ગાંધી રોડ ઉપર પોળમાં રહેતી વિધવાના ઘરે પોલીસ હોવાની ઓળખાણ આપીને બુકાની ધારણ કરીને ચાર મહિલા ગઇ હતી અને તું તારા ઘરે દેહ વ્યાપારનો ધંધો કરાવે છે કહીને રૃા. ૩૦ હજારની માંગણી કરી હતી જો કે વિધવાએ હોબાળો મચાવતાં ચારેય નકલી મહિલા પોલીસ ઝડપાઇ ગઇ હતી.
આ કેસની વિગત એવી છે કે ગાંધી રોડ ઉપર આવેલી એક પોળમાં રહેતી ૫૦ વર્ષની વિધવા મહિલાએ ખાડિયા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોધાવી છે કે ગઇકાલે રાતે ૮.૪૫ વાગે ચાર મહિલા મોઢે માસ્ક તથા દુપટ્ટા બંાધીને તેમના ઘરે આવી હતી અને પોતે મહિલા પોલીસ હોવાની ઓળખાણ આપી હતી અને તુ તારા ઘરે દેહ વ્યાપાર કરાવે છે અમારી પાસે તારી વિરુધ અરજી આવી છે. સમાધાન કરવું હોય તો રૃા. ૩૦ હજાર રૃપિયા આપવા પડશે અને જો તુ રૃપિયા નહી આપે તો પોલીસ સ્ટેશન લઇ જઇને મારવી પડશે તેમ હીને દમ માર્યો હતો.
વિધવાએ બુમાબુમ કરતાં સ્થાનિક લોકો એકઠા થઇ ગયા હતા અને પોલીસને જાણ કરાતા ખાડિયા પોલીસ આવી પહોચી હતી. પોલીસે ચારેય મહિલાની ધરપકડ કરી હતી. પકડાયેેલી મહિલાઓમાં બાપુનગરમાં રહેતી પ્રિતીબહેન જાદવ અને પ્રિયંકાબહેન મકવાણા તથા અંકિતાબહેન પરમાર તથા દિપાબહેન પરમારનો સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં મજબુરી વશ ફરિયાદી મહિલા વર્ષો પહેલા તેમના ઘરે દેહ વ્યાપાર કરાવતી હોવાનું બહાર આવ્યું છે, જેથી પરિચીત મહિલાએ આ કાવતરુ રચ્યું હતું.