



ભાજપની સામ-દામ-દંડની નીતિને કારણે જે લોકોએ ગદ્દારી કરી તેમનો વિજય થયો – કોંગ્રેસની વિચારધારા સત્તા માટે નથી
રાજ્યસભાની એક સીટ માટે ભાજપની સત્તા લાલચને કારણે પેટા ચૂંટણી આવી હતી અને જેમાં પ્રજા સાથે વિશ્વાસઘાત કરશે તેને પ્રજા સબક શીખવાડશે તેવી અપેક્ષા હતી. પરંતુ ભાજપની સામ-દામ-દંડની નીતિને કારણે જે લોકોએ ગદ્દારી કરી તેનો વિજય થયો તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું છે.
વિધાનસભાની પેટા ચૂંટણીમાં જનતાના ચુકાદાને કોંગ્રેસ સ્વિકારે છે તેમ જણાવતા અમિત ચાવડાએ ઉમેર્યું કે, ‘પ્રજાના આક્રોશ અને કાર્યકરોની મહેનતને મતમાં કેમ પરિવર્તિત કરી શક્યા નહીં તેનો અભ્યાસ કરીશું. કોંગ્રેસના કાર્યકરોએ નિરાશ થવાની જરૂર નથી. કોંગ્રેસની વિચારધારા સત્તા માટે નથી. સરકારના જોર ઝુલમ અને અત્યારની સામેની લડાઇ લડીશું. જેમનો વિજય થયો તેમને અભિનંદન આપું છું.
લોકશાહીમાં જનતા સર્વોપરી છે. મંદી-મોંઘવારી-ભ્રષ્ટાચાર-બેરોજગારીથી લોકો ત્રસ્ત છે. સરકાર તમામ મોરચે નિષ્ફળ રહી છે. ભાજપે નાણા-સત્તાના જોરે જીત મેળવી છે. કોંગ્રેસના તમામ ઉમેદવારો સારા હતા.
ભાજપમાં જેમણે પોતાની જાતને કરોડોમાં વહેંચી તેવા ઉમેદવારો હતા. ભાજપની સત્તા-પ્રશાસન-નાણાનો દુરૂપયોગ કોંગ્રેસની હારનું કારણ છે. આઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં જનતા સ્થાનિક મુદ્દાને લઇને મતદાન કરવા નીકળી હતી. લોકો શાસક પક્ષ સાથે રહે એ સ્વાભાવિક છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ પરિણામોની કોઇ અસર નહીં થાય.
આ ચૂંટણી ટીમ કોંગ્રેસ જેમ લડયા છીએ, પરિણામ જે આવ્યું તે અમારી જવાબદારી છે. સોમા પટેલનો વિડીયો, કરજણમાં નાણા આપીને મત આપતો વિડીયો સહિતની અનેક ફરિયાદો ચૂંટણી પંચને કોંગ્રેસે કરી છે અને જેનો હજુ કોઇ પ્રતિઉત્તર આવ્યો નથી. આ પ્રતિઉત્તર આવ્યા બાદ કોંગ્રેસ આગળ વધશે.