



- અંકલેશ્વર IIFLમાં ~ 3.29 કરોડના સોના સહિતની લૂંટની તપાસ માટે 10 ટીમોનો ધમધમાટ
- શહેરના 50 થી વધુ સીસીટીવી ફૂટેજનો ઝીણવટભર્યો અભ્યાસ, 2 મહિલા કર્મચારીના પોલીસે નિવેદન લીધા
અખાત્રીજ , ધનતેરસ જેવા શુભમુહુર્તોને સાચવી ઘર ખર્ચની બચતમાંથીખરીદેલા સોનાની લૂંટ થઇ જતાં 282 લોકો ચિંતામાં મૂકાયા છે. સ્વજનની યાદગીરી, પહેલીવાર ખરીદેલું કે બર્થ ડે, એનીવર્સરી, લગ્નપ્રસંગના મહામૂલા દાગીના પાછા મળશે કે કેમ, હવે શું કરવાનું તેવા સવાલો સાથે મંગળવારે 25થી વધુ લોકોએ આઇઆઇએફએલની અંકલેશ્વર બ્રાન્ચના ફોન રણકાવ્યા હતાં. પોલીસ તપાસ ચાલુ હોવાથી કર્મચારીઓએ આ અંગે જવાબ આપવાનું ટાળ્યું હતું.
અંકલેશ્વર આઇઆઇએફએલમાં 282 લોકોએ ગીરવે મૂકેલા 6.866 કિલો સોનાના દાગીનાની સોમવારે લૂંટ થઇ હતી. પિસ્તોલ અને ચાકૂની અણીએ 4 લૂંટારુએ મેનેજર, 3 મહિલા કર્મચારી અને સિક્યુરિટી સહિત 6 જણને દોરડાથી બાંધી લઇ લોકરમાંથી રૂા. 3.29 કરોડનું સોનું , રોકડા રૂા. 1.79 લાખ, 4 મોબાઇલ અને ટેબલેટ સહિત કુલ રૂા. 3.31 કરોડની લૂંટ કરી કારમાં ફરાર થઇ ગયા હતાં.
લૂંટની ચકચારી ઘટનાના પગલે દાગીના ગીરવે મૂકનાર લોકોના જીવ તાળવે ચોંટ્યા હતાં. બ્રાન્ચ પર પોલીસના અડિંગાને લઇ પૂછતાછથી બચવા માટે કેટલાય લોકોએ બ્રાન્ચ પર આવવાનું ટાળ્યું હતું. જોકે 25 થી વધુ લોકોએ મેનેજર સહિતના ફોન રણકાવ્યા હતા અને તેમના સોનાનું શું થશે ? હવે તેમને શું કરવાનું ?, સહિતના સવાલોનો મારો ચલાવ્યો હતો. જોકે, પોલીસે મંગળવારે 2 મહિલા કર્મચારીના નિવેદન લીધા હતાં .
વાહન ચેકિંગ જોઇ ભાગવા જતો બાઇક ચાલક ઝડપાયો
લૂંટની ઘટના બાદ ત્રણ રસ્તા સર્કલ નજીક વાહન ચેકિંગ દરમિયાન બાઇક પર આવેલ એક શખ્સ પોલીસને જોતા જ ભાગ્યો હતો. રોંગ સાઈડ પર જતા અન્ય વાહન સાથે અકસમાત સર્જાયો હતો. તેનો પીછો કરતાં પોલીસ જવાનો રોડ પર પટકાયા હતા તેમ છતાં તેને પકડી પાડ્યો હતો. તેનો વીડિયો વાયરલ થયો હતો.
લુંટારુઓને શોધવા છોટાઉદેપુર અને રાજપીપળા પોલીસ મદદમાં ઉતરી, 36 કલાક બાદ પણ કડી નહીં
દિવાળીના ટાણે જ રૂા. 3.29 કરોડના સોનાના દાગીનાઓની લૂંટની ઘટનાથી લોકોમાં ભય સાથે પોલીસની ઉંઘ હરામ થઇ ગઇ છે. લૂંટારૂઓના સગડ મેળવવા માટે એલસીબીની 2, એસઓજીની 3, અંક્લેશ્વર સીટી પોલીસ સહિત અન્ય ટીમો મળી 10થી વધુ ટીમો ડીએસપી ચૂડાસમાના માર્ગદર્શન હેઠળ કામે લાગી છે.પોલીસે તમામ રોડના 50 થી વધુ સીસીટીવી ફૂટેજનો અભ્યાસ કર્યો છે.રેંજ આઇજી હરેકૃષ્ણ પટેલે જણાવ્યું કે, અંક્લેશ્વરમાં બનેલી લૂંટની ઘટના પડકારરૂપ છે. મદદના ભાગરૂપે છોટાઉદેપુર તેમજ નર્મદા જિલ્લાની પોલીસ ફાળવી છે. હજુ કોઇ ચોક્કસ કડી સાંપડી નથી.
અમને ગન પોઇન્ટ પર લેતા ચાવી આપી દીધી હતી
બ્રાન્ચ મેનેજર ધર્મેન્દ્રભાઇ પઢીયારે જણાવ્યું કે, મને ગન પોઇન્ટ પર લઇ લૂંટારુ મારા પેટમાં ગન દબાવતો હતો.આખા સ્ટાફને ટાર્ગેટ પર લેતા તેને ચાવી આપવાતૈયારી બતાવી હતી. આજે 25 જેટલા ગ્રાહકોના કોલ આવ્યા હતાં.
IIFL લુંટારુઓનું સોફ્ટ ટાર્ગેટ 3 વર્ષમાં જ લૂંટની ચોથી ઘટના
આઇઆઇએફએલ લૂંટારુઓનું સોફ્ટ ટાર્ગેટ બની છે. છેલ્લા 3 વર્ષમાં જ નવસારી, વાપી, અમદાવાદ અને અંકલેશ્વર સહિત 4 બ્રાન્ચને નિશાન બનાવી છે. જે પૈકી માત્ર અમદાવાદમાં નિષ્ફળ પ્રયાસ રહ્યો હતો.