



ગામની પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં ક્રિકેટ રમતા બાળકો પર અચાનક હુમલો કર્યો
ભરૂચ તાલુકાના જૂના તવરા ગામમાં આવેલી પ્રાથમિક શાળાના કંપાઉન્ડમાં સાંજના સમયે બાળકો ક્રિકેટ રમી રહ્યાં હતા.દરેક બાળકો ક્રિકેટ રમવામાં મશગુલ હતા,તે સમય દરમિયાન એક વાનર આવી ચઢ્યો હતો.બાળકો કઈ સમજે તે પહેલા જ વાનરે અચાનક બાળકોના ટોળા ઉપર હુમલો કરી દેતા નાસભાગ મચી ગઈ હતી.જોકે બાળકોના ટોળામાંથી પ્રતિક દિલીપભાઈ ઠાકોર નામનો બાળક તેની પકડમાં આવ્યો હતો.
ઉશ્કેરાયેલા વાનરે પ્રતીકના શરીરે પીઠ,પેટ અને હાથના ભાગે બચકાં ભરી લેતા તેને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી.જોકે બાળકોએ બુમાબુમ કરી મુકતા વાનર પ્રતીકને છોડીને ભાગી ગયો હતો. બનાવની જાણ બાળકોએ તેના માતા-પિતાને કરતા તેઓએ સ્થળ ઉપર દોડી આવીને તેને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
ગામમાં અવાર-નવાર વાનરો દ્વારા અનેક હુમલાઓ કરવામાં આવતા હોય ગામમાં રમતા બાળકો અને સિનિયર સીટીઝનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.જેથી ભરૂચ વન વિભાગની ટીમે ગામનો સર્વે કરીને વાનરને પકડવા પિંજરા મુકવામાં આવે તેવી લોકમાંગ કરાઈ રહી છે.