



– નિતિશ કુમારને જ મુખ્ય પ્રધાન બનાવવામાં આવશે તેવો બિહાર ભાજપ અધ્યક્ષ સંજય જયસ્વાલનો દાવો
– જેની વધુ બેઠકો તેને વધુ મંત્રીપદ તે અગાઉથી જ નક્કી હતું, નિતિશ સીએમ નહીં બને તે અફવા : જદ(યુ) નેતા
પટના,
બિહાર વિધાનસભાની ચૂંટણીના પરીણામો જાહેર થઇ ગયા છે. જે મુજબ એનડીએની સરકાર બનવા જઇ રહી છે. જોકે બિહારમાં ભાજપ સૌથી મોટો પક્ષ બની ગયો છે તેથી હવે જે નવી એનડીએ સરકાર રચાશે તેમાં ભાજપની ક્ષમતા વધી શકે છે. નિતિશ કુમારને જોકે ભાજપ ભલે મુખ્ય પ્રધાનનું પદ સોપે પણ કેબિનેટમાં સૌથી વધુ મંત્રી પદ ભાજપના ફાળે જશે તેમ નિષ્ણાંતોનું માનવું છે.
જદ(યુ) અત્યાર સુધી બિહારમાં બિગ બ્રધરની ભૂમિકામાં હતું જે સ્થાન હવે ભાજપે લઇ લીધુ છે તેમ છતા નિતિશ કુમારને મુખ્ય પ્રધાન બનાવવામાં આવશે તેમ ભાજપના નેતાઓ હાલ કહી રહ્યા છે. નિતિશ કુમારને કેટલા સમય સુધી સીએમ પદ સોપવામાં આવશે તેને લઇને કઇ નિશ્ચિત નથી.
જોકે ભાજપે સત્તામાં રહેવું હોય તો જદ(યુ)ને સાથે રાખવા અને નિતિશને સીએમ પદ આપવા સિવાય બીજો કોઇ જ વિકલ્પ તેની પાસે નથી. જ્યારે સીએમ પદ નિતિશ કુમારને આપવામાં આવશે કે કેમ તે અંગે પૂછવામાં આવ્યું તો બિહાર ભાજપ પ્રમુખ સંજય જયસ્વાલે કહ્યું હતું કે ૧૦૦ ટકા નિતિશ કુમાર જ બિહારના સીએમ રહેશે.
બિહારમાં ભાજપને ૭૪ જ્યારે જદ(યુ)ને ૪૩ બેઠકો મળી હતી જે ૨૦૧૫માં ૭૧ હતી. બેઠકોની દ્રષ્ટીએ એનડીએમાં ભાજપે હવે જદ(યુ)નું સ્થાન બિહારમાં લઇ લીધુ છે. એક સીનિયર જદ(યુ) નેતાએ કહ્યું હતું કે જે પક્ષોની વધારે બેઠક તેને જ વધુ મંત્રી પદ મળે તે સ્વાભાવીક છે.
જોકે કેટલાક લોકો એમ પણ કહી રહ્યા છે કે નિતિશ કુમાર સીએમ નહીં બને અને અન્ય કોઇને આ પદ સોપવામાં આવશે. લોકો આવી ચર્ચા કરી રહ્યા છે જ્યારે મોદી અને ભાજપની ટોચની નેતાગીરીએ નક્કી કરી લીધુ છે કે નિતિશ કુમાર જ સીએમ પદ સંભાળશે.
જો ભાજપનો દબદબો વધતો રહ્યો તો આવનારા દિવસોમાં સીએમ પદ પણ નિતિશ પાસેથી લઇ લેવામાં આવે તેની પણ શક્યતાઓ રાજકીય નિષ્ણાંતો વ્યક્ત કરી રહ્યા છે. આમ થાય તો નિતિશ કુમારની નારાજગીનો સામનો ભાજપે કરવો પડી શકે છે.