



- મક્તમપુરની નયના કિન્નરે લીવ ઇનમાં રહેતા અબ્દુલ કાદરની ઘાતકી હત્યા કરી
- પ્રેમીએ જાતે જ ચપ્પુ મારી આપઘાત કર્યો હોવાનો ડોળ કર્યો, કિન્નરની ધરપકડ
ભરૂચના મક્તમપુર ખાતે આવેલાં ભાથીજી મંદિર પાસે રહેતી કિન્નર નયનાએ તેના પ્રેમીની હત્યા કરી હોવાનો ચોંકાવનારી ઘટના બની છે. નયના કિન્નરને મુળ કરજણના અબ્દુલ કાદીર હાજી સિંધી સાથે 10 વર્ષ ઉપરાંતથી પ્રેમ સંબંધ હોઇ લીવ ઇન રિલેશનશીપમાં રહેતાં હતાં. જોકે ત્રણેક મહિનાથી તેમની વચ્ચે કોઇ કારણસર ખટરાગ ચાલી રહ્યો હતો.
દરમિયાનમાં નયના કિન્નર જૂનાગઢ જવાની હોઇ અબ્દુલે તેની સાથે જવા માટે તૈયાર થયો હતો. જોકે, કિન્નર નયનાએ તેને સાથે નહીં જવાનું કહેતાં તેમની વચ્ચે તકરાર વધી હતી. અરસામાં ગઇકાલે રાત્રીના સમયે કિન્નર નયના અને અબ્દુલ વચ્ચે કોઇ જૂનાગઢ જવાન કે અન્ય કોઇ કારણસર વિવાદ થયાં કિન્નરે નયનાએ તેના પેટ અને છાતીમાં ચપ્પુના બે ઘા ઝીંકી દીધાં હતાં. જે બાદ નયનાને ભુલનો અહેસાસ થતાં તેણે તુરંત તેને રીક્ષામાં વારાફરતી ભરૂચની બે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જોકે, તેનું સારવાર મળે તે પહેલાં જ મોત થઇ ગયું હતું. પોતાના હાથે હત્યા થઇ હોવાનું જણાતાં તેણે મામલાને ગેરમાર્ગે દોરવા મૃતક અબ્દુલના ફોનની તેની બહેન સુફિયાને તેમજ પોલીસને જાણ કરી અબ્દુલે જાતે જ પોતાને ચપ્પુ મારી આપઘાત કરી લીધો હોવાની કેફિયત રજૂ કરી હતી. જોકે, ચપ્પુના ઘા તેમજ સ્થિતીને ધ્યાનમાં લેતાં નયના કિન્નરે જ તેની હત્યા કરી હોવાનું પ્રાથમિક તબક્કે જણાતાં પોલીસે મૃતકની બહેન સુફિયાની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
કિન્નરે તેના પ્રેમીની હત્યા કેમ કરી તેનું કારણ તપાસી રહ્યાં છીએ
નયના કિન્નર અને અબ્દુલ વચ્ચે કયાં કારણોસર તકરાર થઇ તેની ચોક્કસ વિગતો મળી નથી. નયનાની પુછપરછ ચાલી રહી છે. કિન્નરે પહેલાં તેના પ્રેમીએ જાતે ચપ્પુના ઘા કર્યાં હોવાનું જણાવ્યું હતું. જોકે, તેનું નિવેદન હાલમાં શંકાના દાયરામાં છે. – ડી. પી.ઉનડકડ, પીઆઇ, સી ડિવિઝન
ભાઇ ફોન પર રડ્યો અને કહ્યું કે નયનાએ મને જાનથી મારી નાખવાની ધમકી આપી છે
અબ્દુલને 10 વર્ષથી નયના સાથે પ્રેમ સંબંધ હતો.જોકે થોડા દિવસો પહેલાં અબ્દુલે ફોન કરીને કહ્યું હતું કે, નયના તેની સાથે નાના મોટા ઝઘડાં કરે છે. તેમજ તેણે મને મારી નાંખવાની ધમકી પણ આપી છે. જેથી બીજા દિવસે પણ તેના ખબર અંતર પુછ્યાં હતાં. જે બાઇ ગઇકાલે રાત્રે તેના મોબાઇલથી નયનાએ ફોન કરી અબ્દુલને છરી વાગી છે અને ખલાસ થઇ ગયો છે. તેવી જાણ કરી હતી. – સુફિયા ઇકબાલ શેખ, મૃતકની બહેન