



સોૈરાષ્ટ્રનાં વેપારીઓએ આ વર્ષે દિલ્હીનાં બદલે શિવાકાશીથી વધુ માલની ખરીદી કરી
રાજકોટ,
ભારત અને ચીન વચ્ચે સરહદ પર તનાવ વધ્યા બાદ દેશભરના લોકોમાં ચીન સામે રોષ ઉભો થયો છે. છેલ્લા કેટલાય સમયથી ચાઈનાનાં માલનો બહિષ્કાર કરવાની એક ઝુંબેશ ચાલી રહી છે તેની અસર દિવાળીનાં આ તહેવારોમાં પણ જોવા મળી છે. ફટાકડાની બજારમાં આ વર્ષે ચાઈનાનો માલ જ જોવા મળતો નથી. રાજકોટ અને સોૈરાષ્ટ્રનાં મોટાભાગનાં વેપારીઓએ જ ચાઈનાનાં ફટાકડાનો બહિષ્કાર કરી ખરીદીનાં ઓર્ડર જ આ આપ્યા નથી.
રાજકોટ અને સોૈરાષ્ટ્રમાં વેપારીઓ દિલ્હી અને તામિલનાડુનાં શિવાકાશીથી માલ મંગાવતા હોય છે. ચાઈનીઝ ફટાકડાની આશરે નાની – મોટી વીસેક વેરાયટીઓ બજારમાં જોવા મળતી હોય છે તેમાં તુકકલ,સુતળી બોમ્બ, રાખડી ટાઈપના લાંબા બોમ્બ સહિતની વેરાયટીઓ જાણીતી છે.
સરકાર દર વર્ષે તુકકલ પર પ્રતિબંધ મુકતી હોવા છતાં દિવાળીનાં તહેવારોમાં રાત્રે તુકકલ જોવા મળતી હોય છે. આ વર્ષે મોટાભાગનાં વેપારીઓએ આ વેરાયટીના ઓર્ડર જ આપ્યા નથી.
વર્ષોથી ફટાકડાનો વેપાર કરનારા વેપારીઓનાં જણાંવ્યા મુજબ ચાઈનીઝ ફટાડકા મોટાભાગે દિલ્હીથી આવતા હોય છે પણ આ વર્ષે અમે મંગાવ્યા જ નથી. કરોડો રુપિયાનાં ચાઈનીઝ ફટાકડા આ વર્ષે બજારમાં જ આવ્યા નથી. સરકારે પ્રતિબંધ મુકયો છે ઉપરાંત ચીન પ્રત્યે લોકોમાં રોષ ઉભો થયો છે તેનો પડઘો પણ ચાઈનીઝ ફટાકડામાં જોવા મળ્યો છે. રાજકોટ – સોૈરાષ્ટ્રનાં વેપારીઓએ શિવાકાશી અને મહારાષ્ટ્રમાંથી વધુ માલ મંગાવ્યો છે.
સ્થાનિક ફટાડકાની વેરાયટીઓ જ મંગાવવામાં આવી છે. આ વર્ષે લોકડાઉનનાં કારણે ફટાકડા માટે જાણીતા શિવાકાશીમાં પણ ઉત્પાદન ઓછુ થયુ છે. ગત વર્ષ કરતા આ વર્ષે આશરે પ૦ ટકા ખરીદી વેપારીઓએ કરી છે કારણ કે કોરોનાને કારણે લોકોમાં ડિમાન્ડ પણ ઓછી નીકળશે તેવો વેપારીઓને અંદાજ હતો.