



ઝઘડિયા તાલુકાના દુ:માલપોર ગામે રહેતાં સુનિલ સુકા વસાવાને તેની પત્ની સાથે ગામના જ કિરણ ખાતરીયા વસાવા અનૈતિક સંબંધ રાખતો હોવાની શંકા ગઇ હતી. જેના પગલે ગત 6 નવેમ્બરે ફળિયામાં એક મરણપ્રસંગ નિમિત્તે યોજાયેલાં ભજનમાં સુનિલે કિરણને માર માર્યો હતો. જે બાદ તેમને છુટા પાડતાં બન્ને પોતપોતાના ઘરે ગયાં હતાં. જે બાદ સુનિલ કિરણના ઘરે પહોંચ્યો હતો અને તેણે કિરણને માર મારતાં તે ત્યાંથી ભાગી ગયો હતો.
જોકે સુનિલ પણ તેની પાછળ દોડ્યો હતો. ઘટનાના બે દિવસ બાદ યુવાનનો મૃતદેહ ગામની સીમમાં વૃક્ષ પર ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવતાં પોલીસે પ્રાથમિક તબક્કે આપઘાતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. દરમિયાનમાં પીએમ રિપોર્ટમાં મૃતકની પહેલાં હત્યા કરી મૃતદેહ લટકાવી દેવાયો હોવાનું ફલીત થતાં પોલીસે મૃતકની માતા પુષ્પા વસાવાની ફરિયાદના આધારે સુનિલ વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો.