



- 25 હજાર ઘનફૂટ પથ્થરો પર રાજસ્થાન, ગુજરાતમાં કોતરણી કરાઈ
- અબુધાબી સ્થિત ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પર મેસેજ મૂક્યા
સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)ની રાજધાની અબુધાબીમાં ‘અલ વાકબા’ નામની જગ્યામાં 20 હજાર વર્ગ મીટર જમીનમાં BAPS સંસ્થા દ્વારા ભવ્ય સ્વામિનારાયણ મંદિર બનાવવામાં આવી રહ્યું છે. ત્યારે બીએપીએસ સંસ્થા દ્વારા મંદિરની ફાઈનલ ડિઝાઈન અને હાથથી કોતરેલા નકશીદાર પથ્થરના સ્તંભોની કામગીરી પૂર્ણ કરાઈ છે. આ ઉપરાંત, બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (બીએપીએસ)ના જણાવ્યા અનુસાર, આ ભવ્ય મંદિર નિર્માણમાં હિંદુ ગ્રંથના મહાકાવ્યો, ધર્મગ્રંથો, પ્રાચીન કથાઓ અને ખાડી દેશોમાં લોકપ્રિય રૂપાંકનોના દ્રશ્યો મંદિરના અગ્રભાગને સુશોભિત કરશે. આ અંગે અબુધાબી સ્થિત ભારતીય દૂતાવાસના ઓફશિયલ ટ્વિટર હેંડલ પરથી ટ્વિટ કરીને જાણકારી આપવામાં આવી છે. દૂતાવાસે ભારતમાં આકાર લઇ રહેલી અબુધાબીના પ્રથમ હિંદુ મંદિરનું જટિલ નકશીકામ કેપ્શનથી ટ્વિટ કર્યું છે.
મોદીએ શિલાન્યાસ કર્યો હતો
ભારતીય દૂતાવાસના આંકડાઓ પ્રમાણે, યુએઈમાં 26 લાખ ભારતીયો રહે છે. જે ત્યાંની વસ્તીનો 30% હિસ્સો છે. યુએઈ સરકારે અબુધાબીમાં અલ વાકબા નામની જગ્યાએ BAPSને 20,000 વર્ગ મીટરની જમીન આપી હતી, જે અબુધાબીથી 30 મિનિટના અંતરે છે. નરેન્દ્ર મોદીએ 2018માં પોતાના દુબઈના બે દિવસીય પ્રવાસ દરમિયાન ત્યાંના ઓપેરા હાઉસમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો.