



ઈમરાન ખાન જણાવે નાગરિકોની સલામતીની જવાબદારી કોની, અમારે ક્યાં સુધી વિનાશનો સામનો કરવો પડશે : પીઓકે નેતા
ઈસ્લામાબાદ,
ભારતીયોના પ્રકાશ પર્વ દિવાળીને ‘કાળી’ કરવાનું પાકિસ્તાની સૈન્યનું કાવતરૂં તેને જ ભારે પડયું છે. જમ્મુ-કાશ્મીરમાં શુક્રવારે દિવાળીની પૂર્વ સંધ્યાએ પાકિસ્તાને મોર્ટારમારો કર્યો હતો.
ભારતના વળતા જવાબમાં પાકિસ્તાની સૈન્યના 11 જવાનો માર્યા ગયા હતા અને ભારતીય સૈન્યના ભીષણ હુમલામાં પાકિસ્તાની સૈનિકોએ ભાગવું પડયું હતું. પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરના નેતાઓનું માનવું છે કે પીઓકેની નીલમ અને લીપા ઘાટીમાં ભારતીય સૈન્યે અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કરી વિનાશ વેર્યો છે.
પાકિસ્તાની અખબાર ડૉનના અહેવાલ મુજબ પીઓકેના સિવિલ ડિફેન્સ અને ઈમર્જન્સી મેનેજમેન્ટ બાબતોના સેક્રેટરી સૈયદ શાહિદ મોહયિદ્દિન કાદરીએ કબૂલ્યું કે ભારતીય સૈન્યે નીલમ ઘાટી, લીપા ઘાટી અને મુઝફ્ફરાબાદ જિલ્લાના નૌસેરા સેક્ટરમાં ભારે વિનાશ વેર્યો છે. તેમણે કહ્યં કે, નીલમ ઘાટીમાં ભારતે અત્યાર સુધીનો સૌથી મોટો ગોળીબાર કર્યો છે. આ પહેલા ગયા વર્ષે પણ ભારત તરફથી જોરદાર બોમ્બમારો કરાયો હતો.
નીલમ ઘાટીના ઉપાયુક્ત રાજા મહમૂદ શાહિદે કહ્યું કે ગોળીબારમાં ચાર લોકોના મોત થયા છે અને 25થી વધુ લોકો ઘાયલ થયા છે. પાકિસ્તાને દાવો કર્યો કે આ હુમલામાં ઓછામાં ઓછા 15 ઘરનો નાશ થયો છે.
બીજીબાજુ ભારતના આ જોરદાર વળતા હુમલાથી ગભરાયેલા પીઓકેના કિથત વડાપ્રધાન રાજા ફારૂક હૈદરે વડાપ્રધાન ઈમરાન ખાન પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન ઈમરાન ખાને જણાવવું જોઈએ કે અંકુશ રેખા પર નાગરિકોની સલામતી માટે કોણ જવાબદાર છે અને અમારે ક્યાં સુધી આ પ્રકારના ભયાનક વિનાશનો સામનો કરવો પડશે.
પાકિસ્તાની સંસદ સેનેટના ડેપ્યુટી ચેરમેન સલીમ મંડવીવાલાએ એલઓસીનો પ્રવાસ કરીને કહ્યું કે ભારતીય સૈન્ય ગોળા નહીં, પરંતુ બોમ્બ ફેંકી રહી છે. ભારતીય સૈન્યના વળતા હુમલામાં ઓછામાં ઓછા 11 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે અને અનેક ઘાયલ થયા છે.
પાકિસ્તાની અખબાર ડોને સૈન્યના સૂત્રોને ટાંકીને કહ્યું છે કે એક પાકિસ્તાની સૈનિક અને ચાર નાગરિક માર્યા ગયા છે. સાથે જ 12 નાગરિક અને પાંચ સૈનિક ઘાયલ થયા છે. ભારતની ચિનાર કોર્પ્સે જણાવ્યું કે ભારતે જવાબી કાર્યવાહીમાં પોસ્ટ્સ, બંકરો અને ઈંધણના અડ્ડાને નિશાન બનાવ્યા છે.
પાકિસ્તાનના હુમલામાં ચાર જવાન શહીદ થયા હતા અને ચાર નાગરિક માર્યા ગયા હતા, જેમાં એક મહિલાનો સમાવેશ થાય છે. ચિનાર કોર્પ્સે ટ્વીટ કરીને જણાવ્યું કે ભારતીય સૈન્યે કુપવારામાં શંકાસ્પદ પ્રવૃત્તિઓની માહિતી મળતાં પાકિસ્તાને કોઈપણ ઉશ્કેરણી વિના શસ્ત્રવિરામનો ભંગ કર્યો હતો. પાકિસ્તાને આતંકીઓને ભારતમાં ઘૂસાડવાનો નિષ્ફળ પ્રયાસ પણ કર્યો હતો.