



ગ્વાલિયરના ડીએસપી રત્નેશ તોમર ઠંડીથી ધુ્રજતા ભીખારીને જેકેટ આપ્યું ત્યારે તેના આશ્વર્યનો પાર ન રહ્યોઃ મનિષ ૧૯૯૯માં પીએસઆઈ બન્યો હતો
મનિષના પરિવારમાં ઘણાં સભ્યો પોલીસ અધિકારી છે, ૨૦૦૫ સુધી નોકરી કર્યા પછી માનસિક સ્થિતિ ખરાબ થતાં ઘર છોડીને ભાગી ગયો હતો
ગ્વાલિયર,
માણસનો સમય બદલાઈ જાય તો પરિસ્થિતિ પણ બદલાઈ જતી હોય છે. સમય બદલાય ત્યારે રાજા રંક બની જાય અને રંક રાજા. ગ્વાલિયરના પોલીસ અધિકારીના કિસ્સામાં આ વાત શબ્દશઃ સાચી પડી છે. એક સમયે મધ્યપ્રદેશ પોલીસમાં શાર્પશૂટર તરીકે નામના કમાયેલો મનિષ મિશ્રા આજે ગ્વાલિયરની ગલીઓમાં ભીખ માગવા મજબૂર બની ગયો છે.
ગ્વાલિયરના ડીએસપી રત્નેશ તોમર અને વિજય ભદોરિયા પેટ્રોલિંગ માટે નીકળ્યા હતા. રાતે એણે એક ભીખારીને ઠંડીથી ધુ્રજતા જોયો. પોલીસ અધિકારીઓને એના પર દયા આવી. એ અધિકારીઓ પેલા ભીખારીની નજીક પહોંચ્યા અને તેને જેકેટ આપ્યું. જેકેટ આપતી વખતે અધિકારીઓની નજર ભીખારીના ચહેરા પર પડી ત્યારે બંનેના આશ્વર્યનો કોઈ પાર ન રહ્યો.
એ ભીખારી તેનો બેચમેટ મનિષ મિશ્રા હતો. ૧૯૯૯માં આ ત્રણેય અધિકારીઓ મધ્યપ્રદેશ પોલીસમાં સાથે જોડાયા હતા અને એક સાથે તાલીમ લીધી હતી. ૧૯૯૯ની બેચના પીએસઆઈ એવા મનિષ મિશ્રાની માનસિક હાલત ખરાબ થઈ જતાં તે ભીખારી બનીને જીવન ગુજારતો હતો. મનિષ એક સમયે મધ્યપ્રદેશ પોલીસમાં શાર્પશૂટર તરીકે નામના કમાયો હતો.
૨૦૦૫ સુધી તે મધ્યપ્રદેશ પોલીસમાં સબ ઈન્સ્પેક્ટર તરીકે કાર્યરત રહ્યો હતો. દતિયા જિલ્લામાં તેનું પોસ્ટિંગ હતું. તેના પરિવારમાંથી પણ ઘણાં સભ્યો પોલીસમાં હતા. તેના પિતા અને કાકા એએસપી તરીકે નિવૃત્ત થયા હતા. તેનો ભાઈ પણ અધિકારી છે. તેણે લગ્ન પછી ડીવોર્સ લીધા હતા.
એ અરસામાં તેની માનસિક સ્થિતિ ખરાબ થઈ ગઈ હતી. માનસિક સંતુલન ખોઈ દીધા પછી એક દિવસ તે ઘરમાંથી નાસી છૂટયો હતો. પરિવારના સભ્યોએ તેને શોધીને અલગ અલગ સેન્ટરમાં સારવાર માટે ભરતી કરાવ્યો હતો, પરંતુ એ દરેક વખતે નાસી જતો હતો. છેલ્લે તો તેના પરિવારને પણ ખબર ન હતી કે એ અત્યારે ક્યાં છે.
ફરતો ફરતો એ ગ્વાલિયરમાં આવી ગયો હતો. તેનો દેખાવ એટલો બદલાઈ ગયો હતો કે તેને પહેલી નજરે ઓળખવાનું કામ મુશ્કેલ હતું. વાળ-દાઢી વધી ગયા હતા. ઘણાં વર્ષોથી તેને કોઈએ જોયો ન હતો એટલે ચહેરો ઓળખવો અઘરો હતો. બંને પોલીસ અધિકારીઓએ તેને સામાજિક સંસ્થાના આશ્રય સ્થાનમાં મોકલીને પરિવારને જાણ કરી છે.