



ભરૂચ-નર્મદામાં દિવાળીના બીજા દિવસે પણ બજારે ધમધમતા હતા. દિવાળી અને નૂતન વર્ષ વચ્ચે એક દિવસનો ગેપ હતો જેમાં રવિવારે લોકોએ ખરીદી ચાલુ રાખતા વેપારીઓને રાહત થઇ હતી. મોટે ભાગે વેપારીઓ નવા વર્ષથી લાંભ પાંચમ સુધી બંધ રાખે છે. દિવાળી પુરી થઇ ગયા બાદ પણ એક દિવસનો ગેપ હોવાથી બજાર ખુલ્લા હતા અને મુલાકાતીઓ પણ ઉમટી પડ્યા હતા.
ભરૂચના પાંચબત્તી વિસ્તાર, અંકલેશ્વરના ચૌટા બજાર અને રાજપીપળાની મુખ્ય બજારમાં લોકોએ ખરીદી રવિવારે પણ ચાલુ રાખી હતી દિવાળી અને નૂતન વર્ષની વચ્ચેના રવિવારના પડતર દિવસથી ફૂલ માર્કેટના ભાવમાં ઘટાડો થયો છે. રવિવારે ફૂલોના ભાવમાં 30થી 40 ટકા ઘટાડો થયો છે.
લાભ પાંચમ બાદ ફૂલોના માર્કેટ પુન: બેઠુ થાય તેવી વેપારીઓમાં આશા
મંગલેશ્વરના ખેડૂત જિજ્ઞેશ પટેલે જણાવ્યુ હતુ કે, નૂતન વર્ષના આગળના દિવસે ફૂલોના ભાવમાં ઘટાડો થયો હતો. જોકે સોમવારે ફરી ફૂલોના ભાવમાં ઉછાળો થશે. હવે બેસતા વર્ષના દિવસે છૂટક ફુલો મળવા મુશ્કેલ છે. જોકે હાર મળી રહેશે. નૂતન વર્ષ બાદ હવે લાંભ પાંચમના દિવસે ફરી માર્કેટ ઉચકાવાની શક્યતા છે.