



અવારનવાર શહેરને સ્માર્ટસિટી બનાવવા માટેની વાતો થાય છે પરંતુ શહેરની આસપાસ વસતા અનેક લોકોની સમસ્યાઓનો નીવેડો આવવાના બદલે ધીમે ધીમે વધી રહી છે. અમદાવાદ શહેરની આજુબાજુના છેવાડાના ગામમાં કેમિકલયુક્ત પાણીની સમસ્યા તો છે જ પણ આ પ્રદુષિત પાણીના પાપે બીજી સમસ્યાઓનો ભોગ બનવું પડે છે. આ ગ્રામ્ય વિસ્તારમાં પ્રદુષિત પાણીને કારણે ખેતી નિષ્ફળ ગઈ છે.
આ ઉપરાંત ગામના લોકોને ચામડીનો રોગ થઈ ગયો છે. બીજી તરફ ગામમાં વાંઢાઓની સંખ્યા પણ વધી રહી છે. અમદાવાદના રિંગરોડ પર ખારી નદીમાં છોડવામાં આવતા પ્રદુષિત પાણીને કારણે જમીનની ફળદ્વુપતા સામે પ્રશ્ન ઊભો થયો છે. બોરમાં પણ પ્રદુષિત પાણી આવી રહ્યું છે. જેનાથી ખેતી કરવી મુશ્કેલ બની રહી છે.
સાથોસાથ લોકો ચામડીના રોગના શિકાર બની રહ્યા છે. ગામના અનેક લોકોને પગમાં ફોલ્લીઓ થઈ ગઈ છે. કેમિકલને કારણે પગમાં ફૂગ ચડી જાય છે. તબીબોએ પણ જણાવ્યું હતું કે કેમિકલને કારણે પગમાં સડો થઈ જાય છે. કેમિકલવાળું પ્રદુષિત પાણી શરીરને અડવાને કારણે આવું બને છે. માત્ર ગામડી જ નહીં પણ ચોસર ગામમાં કેમિકલવાળા આ પાણીને કારણે ગામમાં અનેક લોકોને ખરજવું થયું છે. શરીર પર લાલ ચાઠા પડી ગયા છે.
ખેડૂતના પશુઓ જો આ ગંદા પાણીમાં સ્નાન કરે ત્યારે પશુઓ પણ રોગનો શિકાર બને છે. આવી તો અનેક સમસ્યા આ બંને ગામના લોકો વેઠી રહ્યા છે. કેમિકલવાળા પાણીને કારણે ગામમાં કોઈ યુવકને કોઈ પરિવાર પોતાની દીકરી આપવા પણ તૈયાર નથી. યુવાનોના ઝડપથી લગ્ન પણ થતા નથી. અનેક યુવાનો કુંવારા રહી ગયા છે. જ્યારે પણ સગપણ માટે કોઈ આવે છે તે ગામની કેમિકલયુક્ત નદીથી અને દુર્ગંધથી ત્રાસી જાય છે અને સંબંધ જોડવાની ના પાડી દે છે.