



સરકારે SOP સાથે ઠરાવ પણ જાહેર કરી દીધો હતો અને તમામ તૈયારીઓ પણ કરી દીધી હતી
દિવાળીના તહેવાર બાદ અમદાવાદ સહિત ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે ખાસ કરીને અમદાવાદમાં સ્થિતિ વણસતી હોઈ સરકારે 20મીથી રાત્રિ કર્ફયુના નિર્ણય બાદ મોડી રાત્રે 60 કલાકના સંપૂર્ણ લોકડાઉન એટલે કે સોમવાર સવાર સુધીના કર્ફ્યુની જાહેરાત કરતા અંતે સ્કૂલો-કોલેજો શરૂ કરવાનો નિર્ણય પણ પાછો ખેંચવો પડયો છે.
હાલની સ્થિતિને જોતા સરકારે 23મીથી રાજ્યમાં સ્કૂલો-કોલેજો અને યુનિ.ઓ રી ઓપન નહી કરવા જાહેરાત કરી છે. અમદાવાદમાં કોરનાની સ્થિતિ ખરાબ થતા સરકારે કર્ફ્યુના નિર્ણયમાં ફેરફાર કરી સોમવાર એટલેકે 23મીના સવારે 6 વાગ્યા સુધી સંપૂર્ણ લોકડાઉન-કર્ફ્યુ લાગુ કરવાની જાહેરાત કરી દીધી છે.
બીજી બાજુ સોમવારે 23મીથી રાજ્યમાં ધો.9થી12ની સ્કૂલો અને કોલેજો-યુનિ.ઓ શરૂ થનાર હતી પરંતુ જે હવે નહી થાય. સરકારે આ નિર્ણયમાં પણ ફેરફાર કર્યો છે અને સ્કૂલો-કોલેજો રિઓપન કરવાનો નિર્ણય પાછો ખેંચ્યો છે.
ગુજરાતમાં કોરોનાની બીજી લહેર શરૂ થવાની શકયતા વચ્ચે કેસોમાં વધારો થઈ રહ્યો છે.આ સ્થિતિમાં સરકારને સ્કૂલો-કોલેજો 23મીથી શરૂ કરવાના નિર્ણય મુદ્દે યુ ટર્ન લેવાની ફરજ પડી છે. જો કે સરકારે હજુ થોડા દિવસ પહેલા જ અન્ય રાજ્યો સાથે ચર્ચા કર્યા બાદ અને રાજ્યભરમાંથી અભિપ્રાયો મેળવ્યા બાદ કેબિનેટમાં નિર્ણય કર્યો છે.
સરકારે સ્કૂલો કોલેજો શરૂ કરવા એઓસપી સાથે ઠરાવો પણ જાહેર કરી દીધા છે અને તમામ તૈયારીઓ પણ કરી દીધી છે.પરંતુ અમદાવાદમાં કર્ફ્યુ લાગુ કરાતા હવે રેગ્યુલર સ્કૂલો-કોલેજો ખુલી શકે તેમ નથી. આજે મોડી રાતે સરકારે સ્કૂલો-કોલેજો રી-ઓપન ન કરવા જાહેરાત કરી છે. મહત્વનું છે કે થોડા જ દિવસમાં સરકારે નિર્ણય પાછો ખેંચવો પડયો છે ં. ગુજરાતમાં પણ હવે સ્કૂલો-કોલેજો શરૂ કરવાની નવી તારીખોની જાહેરાત કરાશે.
Advt