



દિવાળીમાં થોડા કામકાજ થયા, પરંતુ આગામી એપ્રિલ સુધી વેપારધંધા પૂર્વવત થવાની ઓછામાં ઓછી સંભાવના
ગત માર્ચ મહિનાથી ઠીચુક ઠીચુક ચાલી રહેલા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને આજથી શરૂ થઈ રહેલા રાત્રિના નવ વાગ્યાથી છ વાગ્યા સુધીના નિયંત્રણને પરિણામે વધુ મોટો ફટકો પડશે.
આવશ્યક ચીજવસ્તુઓની હેરફેરને બાદ કરતાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ દ્વારા કરતાં માલની હેરફેર અનલૉક પછી માંડ 50 ટકાએ પહોંચી છે ત્યારે ફરીએકવાર આંશિક લૉકડાઉનનો આરંભ થતાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને વધુ મોટો ફટકો પડવાની સંભાવના નિર્માણ થઈ છે.
અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના હોદ્દેદાર અને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલા સૂત્રોનું કહેવું છે કે અત્યારે કેપિટલ ગુડ્સ, ટેક્સટાઈલ, ગારમેન્ટ, કેમિકલ બજાર નબળાં હોવાથી ટ્રાન્સપોર્ટર્સના માંડ 40થી 50 ટકા કામ થઈ રહ્યા છે.
દિવાળી બાદ હજી આજે બજાર ખૂલ્યું ત્યારે કોરોનાના કેસોમાં જંગી ઊછાળો જોવા મળતાં ફરીથી આંશિક કરફ્યુનો આરંભ થઈ ગયો છે. પરિણામે વેપાર ધંધા પર ફરી એકવાર ્અવળી અસર પડશે.
તેમનું કહેવું છે કે માર્ચ 2020 પૂર્વે માલ લઈને મુંબઈ જતી ગાડી બીજા જ દિવસે મુંબઈથી માલ લઈને અમદાવાદ તરફ રવાના થઈ જતી હતી. પરંતુ આજે તેમણે બેથી ત્રણ દિવસ સુધી નવો માલ મળે તે માટે રાહ જોવી પડી રહ ી છે. દિલ્હી, બેન્ગ્લુરૂ, ચેન્નઈ કે નાગપુર સહિતના દરેક વિસ્તારમાં જતી ટ્રકની આ જ હાલત છે. દૂરની વાત છોડો સુરત અને વાપી ગાડી ગઈ હોય તો પણ પાછા આવતી વેળાએ માલ મળતો જ નથી.
કોરોનાના કહેરને જોતાં આગામી એપ્રિલ મહિના સુધી પરિસ્થિતિમાં સુધારો આવે તેવું જણાતું નથી. 2020-21નું વર્ષ સંપૂર્ણપણ બરબાદ થઈ જશે. 2021-22ના વર્ષમાં જ સ્થિતિ સુધરે તેવી આશા રાખવામાં આવી રહી છે.
તેનું કારણ આપતા તેઓ કહે છે કે અત્યારે લોકો કોરોનાના ભયને કારણે ઇમરજન્સીમાં કોઈ મોટો ખર્ચ આવી પડે તો તેને માટે નાણાં બચાવી રાખવાનું પસંદ કરી રહ્યા છે. તેથી બજારમાં જોઈએ તેવી લેવાલી ખૂલી જ નથી. તેની અસર હેઠળ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગના કામકાજ 40થી 50 ટકાની સપાટીએ આવી ગયા છે.
કોરોના ફેલાતો અટકાવવા ઉદ્યોગો 35 ટકા શ્રમિકોથી જ કામ ચલાવે
તહેવારોની મોસમને કારણે લોકો મોટી સંખ્યામાં બહાર નીકળ્યા તેને પરિણામે કોરોનાના ચેપના વધી ગયેલા કેસને અંકુશમાં લેવા માટે ઉત્પાદન કરતાં ઔદ્યોગિક એકમો માત્ર 33થી 50 ટકા શ્રમિકોનો જ ઉપયોગ કરીને તેમના એકમો ચલાવવા જોઈએ, તેવુંં આયોજન કરવા ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝે એક અખબારી યાદીના માધ્યમથી ઉદ્યોગોને અનુરોધ કર્યો છે.
દરેક ઔદ્યોગિક ઉત્પાદન એકમોમાં કોવિડના ટેસ્ટ કરી શકાય તે માટે થોડી જગ્યાની ફાળવણી કરવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે. આ સાથે જ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય તે રીતે જ ઉત્પાદનની કામગીરી કરવા, માસ્ક પહેરીને જ કામ કરાવવા જણાવવામાં આવ્યું છે. દુકાનોમાં કે બજારમાં ટોળેટોળાં એકત્રિત ન થાય તેની કાળજી દરેકે રાખવી જોઈએ.
Advt