



સંજય પટેલ – અંધકાર માંથી ઉજાસ તરફ લઈ જતું પર્વ એટલે દિવાળી. દિવાળી પર્વની ઠેરઠેર ઉજવણી કરવામાં આવતી હોય છે. દિવાળી પર્વમાં આવતા અનેક તહેવારો પણ ધામધૂમ થી રંગેચંગે ઉજવવામાં આવે છે. જેમાં ભાઈબીજ ના તહેવાર ની ઉજવણી કર્યા બાદ લાભ પાંચમના દિને દરેક વ્યક્તિઓ પોતાના ધંધા રોજગારનું મુર્હુત કરતા હોય છે.
ભરૂચ જીલ્લા ના જંબુસર તાલુકાના ટંકારી ગામ જ્યાં ૮૦ વર્ષ ઉપરાંત થી જય ભાથુજી નવયુવક મંડળ દ્વારા લાભ પાંચમના દીને પુરૂષોનો ઊભું ભજન તથા બહેનોનું ભજન બપોર દરમ્યાન ટંકારી ગામના વગા વિસ્તારમાં રાખવામાં આવતું હોય છે. પ્રતિવર્ષની જેમ ચાલુ સાલે પણ નવયુવક મંડળ દ્વારા ભજન રાખવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાઈઓએ સંગીતના સથવારે અને કરતાલના તાલે ઝુમી ઉઠ્યા હતા. બહેનો દ્વારા યોજાયેલ ભજન કિર્તનમાં રાધાક્રષ્ણના મટુકી ભજનમાં સૌ બહેનો કૃષ્ણમય બની ગયા હતા.
ટંકારી ગામે યોજાયેલ ભજનમાં જંબુસર આમોદ મત વિસ્તારના ધારાસભ્ય સંજયભાઇ સોલંકી ઉપસ્થિત રહી આરતી દર્શનનો લાભ લીધો હતો અને યુવક મંડળ તથા ગ્રામજનો દ્વારા હાલમાં રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના રાજકીય સલાહકાર અહેમદ પટેલની નાદુરસ્ત તબિયત હોય અને દિલ્હી ખાતે સારવાર લઈ રહ્યા છે. ત્યારે સૌએ ભેગા મળી એહમદ પટેલની તબિયત વહેલી તકે સારી થાય અને ફરી એકવાર દેશ સેવાના કામે લાગી જાય તેવી પ્રાર્થના કરવા સાથે હાલમાં ચાલી રહેલી કોરોના વૈશ્વિક મહામારી ગામ, શહેર, જીલ્લા અને દેશ માંથી વહેલી તકે નાબૂદ થાય અને સૌ સ્વસ્થ જીવન જીવે તે માટે પણ પ્રાર્થના કરી હતી.