



કર્મચારીઓના મોબાઇલ અને ટેબલેટ શોધવાનો પ્રયાસ
અંક્લેશ્વરની IIFL ની બ્રાન્ચમાં લૂંટ કેસમાં ઝડપાયેલાં આરોપીઓએ લૂંટના સોનાના દાગીના પૈકી 700 ગ્રામના દાગીના એક સોનીને 30 લાખ રૂપિયામાં વેચ્યાં હોવાની કબુલાત કરી હતી. જેના પગલે પોલીસની ટીમે લૂંટારૂઓએ કયાં સોનીને દાગીના વેચ્યાં તેને શોધવાની કવાયત હાથ ધરી છે. સોનીએ ચોરી-લૂંટના દાગીના કેવી રીતે ખરીદ્યા તેની પણ તપાસ કરવામાં આવશે. બીજી તરફ લૂંટારૂઓએ બ્રાન્ચમાં ફરજ બજાવતાં કર્મીઓના મોબાઇલ-ટેબલેટ પણ લૂંટ કરી ગયાં બાદ રસ્તામાં ક્યાંક નાંખી દીધાં હોઇ તે પણ શોધવાની કવાયત પોલીસે હાથ ધરી છે.
અંક્લેશ્વરની IIFL ગોલ્ડ લોન કંપનીની બ્રાન્ચમાં થયેલી લૂંટના કેસમાં એલસીબી – એસઓજી સહિતની ટીમે સૂરતના રાંદરથી મોહસિન ઇમ્તિયાઝ ગુલામ મુસ્તુફા મલેક, મોહમદઅલી હૂસેન ગુલામ નાખુદા, મોહસિન મુસ્તુફા જીલાની ખલીફા તેમજ સલીમ અબ્દુલ સિદ્દીક ખાન નામના ચાર લૂંટારૂઓની ધરપકડ કરી છે. તેમજ તેમની પાસેથી લૂંટમાં ગયેલાં સોનાના દાગીના પૈકી 2.52 કરોડના દાગીના, બે કાર તેમજ રોકડા રૂપિયા 13.50 લાખ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપીઓએ 700 ગ્રામ સોનું 30 લાખ રૂપિયામાં એક સોનીને વેચ્યું હોવાની કબુલાત કરતાં ટીમે તેને શોધવાની કવાયત હાથ ધરી છે. ઉપરાંત લૂંટારૂઓએ કર્મચારીઓના મોબાઇલ-ટેબલેટ લૂંટ કરી રસ્તામાં ફેંકી દીધાં હોઇ તે શોધવાની કવાયત હાથ ધરી છે.