



ભુતાન આવી પેશકદમીની ના પાડે છે, પણ સેટેલાઈટ તસવીરમાં ગામ સ્પષ્ટ જોવા મળે છે : નેપાળમાં પણ ચીને ઘૂસણખોરી કરી જ છે
નવી દિલ્હી, તા. 21 નવેમ્બર, 2020, શનિવાર
ચીને વાયા ભુતાન થઈ ભારત સાથે સંઘર્ષનો નવો મોરચો ખોલી દીધો છે. ચીને ભુતાનની ભૂમિ પર 2 કિલોમીટર અંદર એક આખુ ગામ વસાવી લીધું છે. આ ગામ દોકલામ વિસ્તારમાં ઉભું થયું છે. દોકલામ એે ભારત-ચીન-ભુતાનના ત્રિભેટે આવેલો વિસ્તાર છે.
એ વિસ્તાર ભુતાનનો છે, પણ ચીન તેના પર દાવો કરી રહ્યું છે. 2017માં ત્યાં ચીને સૈન્ય ખડકતાં ભારતે પણ સામે બાંયો ચડાવવી પડી હતી. નેપાળની સરહદમાં તો પહેલેથી ચીન ઘૂસી ગયું હોવાના અહેવાલો અગાઉ નેપાળી અધિકારીઓએ જ આપ્યા હતા.
ચીને આવી કોઈ પેશકદમી નથી કરી એવો જોકે ભુતાનનો દાવો છે. પરંતુ ભુતાન સરકારના જ નકશા અને તસવીરોમાં આ ગામ બની ગયું હોવાના પુરાવા મળી રહે છે. ભારત સાથે વિવાદ છે એમ ચીનને ભુતાનની સરહદ સાથે પણ વિવાદ છે.
ભુતાનના ઘણા વિસ્તારો પર ચીન પોતાનો હક્કદાવો રજૂ કરતું રહે છે. ભુતાન ભારતના વાલીપણા નીચેનો દેશ છે. માટે લશ્કરી મામલો આવે ત્યારે ભુતાનની ભૂમિના સંરક્ષણની જવાબદારી ઈન્ડિયન આર્મીની રહે છે.
ભુતાને કહ્યું હતું કે ચીન સાથે સરહદી વાટાઘાટો ચાલે છે, પણ આવુ કોઈ ગામ બન્યું નથી. જોકે ચીની સરકારની ન્યુઝ ચેનલ સીજીટીએનના સિનિયર પત્રકારે પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર આ ગામની તસવીરો મુકી હતી.
પ્રોડયુસર સેન સિવાઈએ તસવીરો સાથે ટ્વિટમાં લખ્યું હતું કે આપણી પાસે હવે પાંગડા નામનું પરમેનેન્ટ ગામ છે, જે યાંદોંગ વિસ્તારમાં આવેલું છે. એ ટ્વિટ સાથે તેણેે નકશો મુક્યો હતો, જેમાં ગામ ભુતાનમાં દેખાય છે. બાદમાં વિવાદ થતા આ ટ્વિટ ડિલિટ કરી નંખાઈ હતી.
આ નકશો રજૂ થયા પછી સેટેલાઈટ ઇમેજના ઘણા આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોએ ગામ ભુતાનની ભૂમિ પર જ હોવાનું સ્પષ્ટ કર્યું હતું. આ ગામ ભુતાનની સરહદથી બે-અઢી કિલોમીટર અંદર છે, જ્યારે દોકલામ જંક્શનથી નવેક કિલોમીટર દૂર છે. ચીન ભારત સરહદે સર્વત્ર બાંધકામ કરી રહ્યંર હોવાનો આ વધુ એક પુરાવો છે.